ડાંગ જિલ્લામાં સતત ચાર દિવસથી સાંબેલાધાર વરસાદ ખાબકતા જળપ્રલય ની પરિસ્થિતિમાં ભારે ખાના ખરાબી સર્જાઈ

133

સાપુતારા : ​​​​​​​ડાંગ જિલ્લામાં સતત ચાર દિવસથી સાંબેલાધાર વરસાદ ખાબકતા જળપ્રલય ની પરિસ્થિતિમાં ભારે ખાના ખરાબી સર્જાઈ છે.મળતી માહિતી મુજબ સતત ચાર દિવસથી સાંબેલાધાર વરસાદને પગલે નદીઓ રોદ્ર સ્વરૂપ થી વહેતી થતા કેચમેન્ટ એરિયામાં આવતા ગામડાઓના કોઝવે 4 દિવસથી ગરકાવ થઈ જતા જનજીવન પ્રભાવિત થયો હતો,અનેક ચેકડેમોમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.તો પૂર્વપટ્ટી ના ચીંચલી વિસ્તારમાં એક ઇસમનું તણાય જવાથી મોત નીપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સાપુતારા ઘાટ માં ધસી પડેલ ભેખડ,વૃક્ષો,અને તોતિંગ શિલાઓ ખસેડવા તંત્ર ને સફળતા મળી છે,પરંતુ માર્ગો ડેમેજ થતા હાલ બે દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય હાઇવે ઓથોરિટી દ્વારા લેવાયો છે,આ સાથે જ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ રોદ્ર રૂપ ધારણ કરતા ભારે તારાજી સર્જી હતી.જિલ્લા વહીવટી તંત્ર કુદરતી હોનારતથી લોકોના સુરક્ષા માટે ખડેપગે રહી સંવેદનશીલતા પ્રમાણ પૂરું પાડ્યું હતું. જિલ્લા સમહર્તા ભાવિન પંડ્યા, જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા,વનવિભાગ સહિત વહીવટી તંત્રનું સંકલન રહેતા લોકોને રાહત મળી હતી.

જિલ્લામાં ભારે વરસાદ ને પગલે પ્રાથમિક,માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.જ્યારે સરકારી કર્મચારી ઓને હેડક્વાર્ટર પર જ હાજર રહી કુદરતી આફત સામે સજ્જ રહેવા ઉપલા લેવલે આદેશ જારી કરવામાં આવ્યા હતા.ચોથા દિવસે પણ જિલ્લામાં જળપ્રલયની સ્થિતિ જારી રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી હતી.

Share Now