રાજપક્ષે દેશ છોડી માલદિવ્સ ભાગ્યા શ્રીલંકામાં ઈમરજન્સીઃ કરફ્યુ લદાયો

127

કોલંબો : શ્રીલંકામાં આર્થિક કટોકટી પછી ચાલુ થયેલી રાજકીય ઉથલપાથલ ચાલુ રહી છે.લોકોના પ્રચંડ વિરોધને પગલે પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષે રાજીનામું આપ્યા વગર મિલિટરી વિમાનમાં બેસીને માલદિવ્સ ભાગી ગયા છે.બીજી તરફ ઉગ્ર દેખાવકારોએ કોલંબોમાં વડાપ્રધાન કાર્યાલય પર હુમલો કર્યો હતો અને સંસદને ઘેરી લીધી હતી.લોકોએ નવેસરથી ઉગ્ર દેખાવ કરતાં પીએમ વિક્રમસિંઘે રાષ્ટ્રવ્યાપી ઇમર્જન્સીની જાહેરાત કરી હતી.

રાજપક્ષેએ દેશમાંથી ભાગી જતા પહેલા વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘની કાર્યકારી પ્રેસિડન્ટ તરીકે નિમણુક કરી હતી.તેનાથી રાજકીય કટોકટી વધુ વણસી હતી અને નવેસરથી જોરદાર પ્રદર્શનો થયા હતા. દેખાવકારો પ્રેસિડન્ટ રાજપક્ષે અને વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘ બંનેના રાજીનામાની માગણી કરી રહ્યાં છે.રાજપક્ષે દેશમાંથી ભાગી જતાં લોકો વધુ વિફર્યા હતા અને જણાવ્યું હતું કે રાજપક્ષેને દેશ છોડીને ભાગી જવાની કેમ છૂટ આપવામાં આવી.અહેવાલ મુજબ રાજપક્ષે સિંગાપોર પાસે શરણ માગ્યું છે.

રાજપક્ષેએ પોતે વિદેશમાં હોવાથી પ્રેસિડન્ટ તરીકે વિક્રમસિંઘની નિમણુક કરી હોવાની જાહેરાત કરતાં સંસદના સ્પીકર મહિન્દા યાપા અબેયવર્દનાએ જણાવ્યું હતું કે રાજપક્ષેએ આજે તેમના વચન મુજબ રાજીનામું આપવાની ફોન પર માહિતી આપી છે.લોકોના ઉગ્ર વિરોધને પગલે વિક્રમસિંગે ટીવીમાં નિવેદન જારી કરીને રાષ્ટ્રવ્યાપી ઇમર્જન્સીની જાહેરાત કરી હતી તથા કોલંબો અને આજુબાજુના વિસ્તારોમાં કરફ્યૂ પણ લાદ્યો હતો.વિક્રમસિંઘે જણાવ્યું હતું કે લોકશાહી સામેની આ ફાસિસ્ટ ધમકીનો અંત લાવવો જ પડશે. સરકારની સંપત્તિના વિનાશને પરવાનગી આપી શકાય નહીં.પ્રેસિડન્ટ ઓફિસ,પ્રેસિડન્ટના સેક્રેટરિયેટ અને વડાપ્રધાનનું સત્તાવાર નિવાસ્થાન યોગ્ય કસ્ટડીમાં લાવવું પડશે.

જોકે આ નિવેદન બાદ સરકાર વિરોધી દેખાવકારોનો વધુ ઉગ્ર બન્યા હતા.શ્રીલંકાના રાષ્ટ્રધ્વજ સાથે હજારો દેખાવકારોએ ઇમર્જન્સીના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો અને પીએમ ઓફિસને ઘેરી લીધી હતી. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા,પરંતુ દેખાવકારો બેરિકોડ તોડી નાંખ્યા હતા.પ્રેસિડન્ટને માલદિવ્સમાં ભાગી જવા માટે એરફોર્સનું વિમાન આપવા બદલ દેખાવકારોએ એરફોર્સ કમાન્ડરના નિવાસસ્થાને પણ ઘેરી લીધું હતું.તેમણે નેવી કમાન્ડર અને આર્મી કમાન્ડરના નિવાસસ્થાનોને ઘેરવાનો પણ નિર્ણય કર્યો હતો.દેખાવકારોએ સરકારી ટીવી ચેનલ રુપાવાહિનીની ઇમારતને પણ ઘેરી લીધી હતી અને તેનાથી આ ચેનલે થોડા સમય પ્રસારણ અટકાવવું પડ્યું હતું.દરમિયાન ભારત રાજપક્ષને માલદિવ્સ ભાગી જવામાં મદદ કરી હોવાના મીડિયા અહેવાલને શ્રીલંકા ખાતેના ભારતના હાઇકમિશનને ફગાવી દીધા હતા.

Share Now