કોલકાતા : ભારતના પૂર્વ ક્રિકેટર અરુણ લાલે મંગળવારે બંગાળ ક્રિકેટ ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણ હોવાનું જણાવ્યું હતું.બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અવિશેક દાલમિયા હાલ યુકેમાં છે ત્યારે 66 વર્ષીય અરુણ લાલે ઈડન ગાર્ડન્સમાં સીએબીની કચેરીએ જઈને સેક્રેટરી સ્નેહાશિષ ગાંગુલીને રાજીનામું આપી દીધું હતું.
લાલના રાજીનામાં અંગે બંગાળ એસોસિશેનનું સત્તાવાર નિવેદન આવાવનું બાકી છે પરંતુ તેમના દ્વારા રાજીનામાને સ્વીકારી લેવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અરુણ લાલે જણાવ્યું કે,કોચિંગ કપરી જવાબદારી છે અને હું ઉંમર લાયક બની રહ્યો છું.વર્ષમાં નવ મહિના ક્રિકેટ રમવાનો વ્યસ્ત કાર્યક્રમ છે અને બીજીતરફ મારી ઉંમર વધી રહી છે જેથી હું થાક અનુભવું છું.એટલા માટે જ હું કોચ પદે યથાવત્ નથી રહેવા ઈચ્છતો.
બંગાળનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેઓ ટાઈટલ જીતવા દાવેદાર છે.સીએબી દ્વારા બંગાળના નવા કોચની તલાશ પણ આરંભી દેવામાં આવી છે અને સૂત્રોના મતે મધ્ય પ્રદેશને રણજી ટ્રોફી જીતાડનાર ચંદ્રકાંત પંડિત બંગાળના નવા કોચ બને તેવી શક્યતા છે.કેન્સરને મ્હાત આપ્યા બાદ ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા અરુણ લાલે 2018-19 માટે બંગાળના કોચની જવાબદારી સ્વીકારી હતી.2020માં લાલના માર્ગદર્શનમાં બંગાળની ટીમ 13 વર્ષ બાદ રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.