સુરત : નવસારી ગણદેવીના વણગામ મામાદેવ ખાતે રહેતા કેરીના યુવાન વેપારીએ મિત્ર મારફતે ફેસબુક ઉપર મુકેલી જાહેરાતના આધારે સુરતના ગઠીયાએ સંપર્ક કરી 8 મણ કેરી ખરીદી પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યા બાદ વધુ 30 મણ કેરી ઓર્ડર આપી વેપારીને સુરત બોલાવી ગઠીયો 27 મણ રસ્તામાં ઉતરાવી બીજી 3 મણ ઘરે ઉતારી પેમેન્ટ કરવાને બહાને રફુચક્કર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નવસારી ગણદેવીના વણગામ મામાદેવ ખાતે રહેતા 31 વર્ષીય ખેડૂત હાર્દિકભાઈ રામજીભાઈ પટેલ ખેતરમાં આંબાનું વાવેતર કરી સીઝનમાં કેરીનું વેચાણ કરે છે. તેમને મિત્ર ચિરાગ સુરતીએ કેરી ફેસબુક માર્કેટ પેલેસના માધ્યમથી વેચવાની સલાહ આપી ફેસબુક ઉપર કેરીના ફોટા અપલોડ કરી જાહેરાત મુકી હતી.ગત 1 જુનના રોજ ચિરાગને ફેસબુક ઉપર સોમનાથ સેલ્સ નામના એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો હતો અને કેરીનો માલ લેવાની વાત કરી હતી.ચિરાગે તેની સાથે વાત કર્યા બાદ તેનો મોબાઈલ નંબર હાર્દિકભાઈને આપ્યો હતો.હાર્દિકભાઈએ તેની સાથે કરતા તેણે પોતાનું નામ ધવલ તરીકે આપી 8 મણ કેરીનો માલ સુરત મંગાવી તેનું પેમેન્ટ પણ કરી વિશ્વાસ કેળવ્યો હતો.
ત્યારબાદ 5 જૂનના રોજ ધવલે ફરીથી 30 મણ કેરીનો ઓર્ડર આપી હાર્દિકભાઈને પુણા સીતાનગર ઈન્ટરનેશન ફેશન માર્કેટ પાસે બોલાવતા તે ત્યાં પહોંચ્યા ત્યારે ધવલ એક્ટીવા લઈ અન્ય એક યુવાન સાથે ત્યાં ઉભો હતો.ધવલે ત્યાં 27 મણ કરી ઉતરાવી સાથે આવેલા યુવાનને ત્યાં ઉભો રાખ્યો હતો અને બાકીની 3 મણ કેરી ઘરે ઉતારી ત્યાં પૈસા આપી દઈશ કહી હાર્દિકભાઈને એક્ટીવાની પાછળ આવવા કહ્યું હતું.જોકે,રસ્તામાં મારુતીચોક પાસે તે ગાયબ થઈ જતા હાર્દિકભાઈને પોતાની સાથે ઠગાઈ થઈ છે તેમ લાગ્યું હતું.આથી તે તરત સીતાનગર ઈન્ટરનેશન ફેશન માર્કેટ પાસે પહોંચ્યા તો ત્યાં કેરી સાથે ઉભેલો યુવાન પણ ગાયબ હતો.હાર્દિકભાઈએ ધવલનો સંપર્ક કર્યો હતો પણ તે ફોન ઉપાડતો નહોતો.બાદમાં તેનો ફોન બંધ થઈ ગયો હતો.રૂ.64,800 ની કિંમતની કેરી લઈ ફરાર થઈ ગયેલા ગઠીયા ધવલ અને તેની સાથેના યુવાન વિરુદ્ધ હાર્દિકભાઈએ ગતરોજ પુણા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.