સુરત : સારાં વરસાદને કારણે આગામી તહેવારો પહેલાં બહારગામની ખરીદી નીકળશે એવી આશા-અપેક્ષા ટેક્સટાઇલ ઉપયોગકારોની હતી.ગ્રે બજારમાં કોઈ મૂવમેન્ટ નહીં હોવાથી કારખાનેદારો હવે એક પાળી ચલાવવાનો સૂર વ્યક્ત કરી રહ્યાં છે.હાલમાં મોટાભાગના કારખાનેદારો પાસે ઓછાં વત્તા પ્રમાણમાં માલનો ભરાવો છે.થોડા દિવસો પહેલા 15 દિવસ ગ્રે-બજારમાં કામકાજ રહ્યાં હોવાને કારણે 25થી 30 ટકા ગ્રે તાકાઓનો સ્ટોક ખાલી થયો હતો.પરંતુ ત્યાર પછી ફરી તાકાઓનો ભરાવો શરૃ થઈ ગયો છે.આગામી તહેવારની ખરીદી નીકળશે એવી આશા સૌ કોઈને છે.પરંતુ કામકાજ સુધરતા નથી.નજીકના દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો,ગ્રેના ઉત્પાદન કાપ માટે ફરી એક વખત કારખાનેદારોએ ગંભીર બનવું પડશે,એવી ચર્ચાઓ છે.જુદાજુદા એસોસિએશન વચ્ચે છેલ્લા એક-બે દિવસથી વિકટ બનતી પરિસ્થિતિનો કંઈ રીતે સામનો કરવો તે મુદ્દો ચર્ચામાં મુખ્ય રહ્યો છે.એક પાળી ચલાવવા સિવાય કારખાનેદારો પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.જોકે હજુ 10-12 દિવસ રાહ જોવાનું નક્કી કરવામાં આવ્યું છે.