
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રોજેક્ટ માટે તમામ મંજૂરીઓ આપી દીધી છે અને પડતર પ્રશ્નો ફૉરેસ્ટ ક્લિયરન્સ તથા જમીન સંપાદનને લગતા હતા.મહારાષ્ટ્ર સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવા માટેની તમામ મંજૂરીઓ આપી દીધી હોવાનું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું. રાજ્યમાં સરકાર બદલાઈ એના માત્ર પખવાડિયામાં આ ગતિવિધિ આકાર પામી હતી.
રાજ્ય કૅબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રોજેક્ટ માટે તમામ મંજૂરીઓ આપી દીધી છે અને પડતર પ્રશ્નો ફૉરેસ્ટ ક્લિયરન્સ તથા જમીન સંપાદનને લગતા હતા.છેલ્લા કેટલાક દિવસોમાં એકનાથ શિંદે સરકારે પ્રોજેક્ટને લગતા લાંબા પડતર મામલાઓ ઉકેલ્યા હતા.મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી(એમએમઆરડીએ)એ હાઇસ્પીડ ટ્રેનના ટર્મિનસ માટે નક્કી કરેલા બીપીસીએલ ખાતેના પ્લૉટ પર આવેલા બીપીસીએલના પેટ્રોલ પમ્પને ખસેડવાનો આદેશ જારી કર્યો છે,એમ સૂત્રોએ જણાવ્યું હતું.સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પાલઘરમાં મહિનાઓથી સપડાયેલી આશરે ૧.૨ એકર જમીન ગયા અઠવાડિયે પ્રોજેક્ટને સોંપાઈ હતી.આ સાથે સમગ્ર પ્રોજેક્ટ માટેની ૯૦.૫૬ ટકા જમીન(ગુજરાતમાં ૯૮.૮ ટકા,દાદરા-નગર હવેલીમાં ૧૦૦ ટકા અને મહારાષ્ટ્રમાં ૭૨.૨૫ ટકા)સંપાદિત કરવામાં આવી છે.