જે કંપનીમાં કામ કર્યું એને જ છ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો

109

સ્કૂલ-યુનિફૉર્મ અને અન્ય ડ્રેસ મટીરિયલ બનાવતી મુંબઈની જાણીતી કંપની ઝી ફૅબ્રિક્સમાં કામ કરનાર ​૩૩ વર્ષના સિદ્ધાર્થ સંદીપ શાહે કંપની સાથે છેતરપિંડી કરીને એને ૬ કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલી આ છેતરપિંડીની આખરે ફરિયાદ કરવામાં આવતાં આઝાદ મેદાન પોલીસે પૂરતી તપાસ કરી પુરાવા ભેગા કરી મંગળવારે સિદ્ધાર્થની ધરપકડ કરી છે.તેને કોર્ટ સમક્ષ હાજર કરાતાં કોર્ટે ૧૮ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.

આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ભૂષણ બેળણેકરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે‘મૂળ આ ત્રણ વર્ષ જૂની મૅટર છે. સિદ્ધાર્થ કંપનીનો જ એમ્પ્લૉઈ હતો.તેના પિતા પણ એ જ કંપનીમાં કામ કરતા હતા.માલિકોનો તે વિશ્વાસુ હતો.’સિદ્ધાર્થે પૅકેજિંગ આઉટસોર્સ કરવાના ઓઠા હેઠળ ત્રણ બોગસ કંપની ઊભી કરી હતી અને ત્યાર બાદ ખોટાં બિલ રેઇઝ કરીને કંપનીને છ કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો હતો.

તે કંપનીના માલિકોના પરિવારની નજીકની વ્યક્તિ હોવાથી પહેલાં સમજાવટ દ્વારા પૈસા કઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,પણ આખરે તેની સામે પોલીસ-ફરિયાદ કરવામાં આવી હતી.‘અમે ફરિયાદના આધારે પહેલાં તપાસ ચાલુ કરી હતી,ત્યાર બાદ તેની સામેના પુરાવા એકઠા કર્યા હતા અને એ પછી મંગળવારે ધરપકડ કરવામાં આવી છે.આરોપી સિદ્ધાર્થને કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેને ૧૮ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.

અમે કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છીએ.’એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું આટલી મોટી રકમની છેતરપિંડી થઈ હોવાથી કંપનીને એના વિશે ક્યારે જાણ થઈ? સિદ્ધાર્થની મોડસ ઑપરૅન્ડી શું હતી? એમ કહેવાય છે કે તેણે બનાવટી બિલ રેઇઝ કર્યાં હતાં તો કંપનીએ એનું પેમેન્ટ કઈ રીતે કર્યું? જેવી માહિતી જાણવા ‘મિડ-ડે’એ ઝી ફૅબ્રિક્સનો સંપર્ક કર્યો હતો,પણ યોગ્ય વ્યક્તિ હાજર ન હોવાનું કહીને તેમણે માહિતી આપવાની અસમર્થતા દર્શાવી હતી.

Share Now