બેસ્ટ હાઉસિંગ સોસાયટીને મળશે અવૉર્ડ

110

સારો અને પારદર્શક વહીવટ,કચરાનો નિકાલ,વીજળી અને પાણીની બચત તેમ જ ગ્રીન સૉલ્યુશન જેવા મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો સરકારનો આ પહેલ પાછળનો હેતુ છે કો-ઑપરેટિવ સોસાયટીના રહેવાસીઓને એકસાથે લાવવાના તેમ જ કચરાનો નિકાલ,પાવર અને પાણીની બચત જેવા મુદ્દે કંઈક અનોખો ઉપાય શોધનારી તેમ જ વિવિધ સમસ્યાનો પારદર્શક ઉકેલ લાવનાર સોસાયટીને રાજ્ય સરકાર બેસ્ટ કો-ઑપરેટિવ હાઉ​સિંગ સોસાયટી અવૉર્ડ આપશે.આ વર્ષથી જ આ અવૉર્ડ અપાશે.રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ હાઉ​સિંગ ફેડરેશનને આ મામલે જાગૃતિ લાવવા વિશેષ સત્રો બોલાવવા માટે જણાવાયું છે.ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં સુવ્યવસ્થાપન અને ટંટામુક્તિ ગૃહનિર્માણ સંસ્થા અભિયાન શરૂ કરાયું હતું,જે ગામડાંઓમાં પંચ પદ્ધતિની જેમ સોસાયટીના સભ્યોના નાના વિવાદોને ઉકેલવા માટે મદદ કરે છે.

જો આવા મુદ્દાઓ ન ઉકેલાય તો વ્યક્તિગત ઝઘડાઓ થાય છે.પરિણામે કો-ઑપરેટિવ વેલ્ફેર સોસાયટીની રચનાનો સમગ્ર ઉદેશ્ય જ માર્યો જાય છે.વળી બિનજરૂરી ફરિયાદોનો ઢગલો થાય છે,જેનો ઉકેલ વર્ષો સુધી નથી મળતો.આ વિચાર કમિશનર ફૉર કો-ઑપરેશન ઍન્ડ રજિસ્ટ્રાર,કો-ઑપરેટિવ સોસાયટી(સીસી ઍન્ડ આરસીએસ)અનિલ કવાડે દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે‘કેટલાક સમયથી આ વિચાર મગજમાં હતો,પરંતુ કોવિડ-૧૯ રોગચાળો અને લૉકડાઉનને કારણે અમે તેની ઘોષણા કરી શક્યા નહોતા.

સહકારિતાની ભાવનાને અમે હાઉસિંગ સોસાયટીમાં પાછી લાવવા માગીએ છીએ,જેમાં બધા ભેગા મળી સોસાયટી અને આસપાસના વિસ્તારના વિકાસ અને કલ્યાણમાં ભાગીદાર બને.જ્યારે સભ્યો વચ્ચે એકબીજા માટે વિશ્વાસ હોય ત્યારે જ આ શક્ય બને.અમે એવી કેટલીક સોસાયટીઓ જોઈ,જેણે સોલર પૅનલ,વરસાદના પાણીનો સંગ્રહ,સૂકો તેમ જ ભીનો કચરો અલગ પાડવો અને ખાતર બનાવવું,રોગચાળા દરમ્યાન સોસાયટીના કલબ હાઉસ કે બંધ ફલૅટોને આઇસોલેશન વૉર્ડમાં તબદીલ કરવા જેવાં અનેક મહત્ત્વનાં કામો કર્યાં હતાં,તો કેટલીક સોસાયટીમાં નિયમ મુજબ મીટિંગ તેમ જ ઑડિટનું કામ પણ થતું હતું.જોકે આવું અમુક સોસાયટીમાં જ થતું હતું.બાકી બધી સોસાયટીઓ પોતાની જૂની ઘરેડ મુજબ જ ચાલે છે.

લોકો વિજેતા સોસાયટીનાં ઉદાહરણને અનુસરે એ માટે અવૉર્ડ આપવાનું નક્કી કર્યું છે.’નાની તેમ જ મોટી તમામ સોસાયટીઓ એમાં ભાગ લઈ શકશે.નોમિનેશન માટે અલગ-અલગ કૅટેગરી રાખવામાં આવી છે.કેટલીક વખત સોસાયટીના નાના મુ્દ્દાઓ પણ પોલીસ-સ્ટેશન અને કોર્ટ સુધી જાય છે,જેને અમે ટાળવા માગીએ છીએ.લોકો આજે ફ્લૅટ ખરીદવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે,પરંતુ ક્ષુલ્લક બાબતોમાં અન્ય રહેવાસીઓને સહકાર આપતા નથી.પરિણામે હાઉસિંગ સોસાયટીનો હેતુ જ માર્યો જાય છે.

Share Now