હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલી બે લાખ ક્યુસેક પાણી છોડાયું

204

સુરત : મહારાષ્ટ્રના હથનુર ડેમના કેચમેન્ટમાં ૨૪ કલાકમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે તમામ ૪૧ દરવાજા સંર્પૂણ ખુલ્લા કરીને ૨ લાખ કયુસેક સુધી પાણી છોડવામાં આવી રહ્યુ છે.આ પાણી ઉકાઇ ડેમમાં ૨૪ થી ૩૬ કલાકમાં આવનાર હોવાથી સતાધીશો ડેમની સપાટી અને વરસાદ પર ચાંપતી નજર રાખતા થયા છે.ઉકાઇ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે.વિતેલા ૨૪ કલાકમાં ઉપરવાસના હથનુર ડેમની ઉપરના ભાગો એવા દેડતલાઇમાં ૪ ઇંચ,ટેસ્કામાં ૨ ઇંચ,હથનુરમાં બે ઇંચ,ચીખલધરા,ગોપાલખેડામાં ૨ ઇંચ વરસાદ ઝીંકાયો હતો.

તેના પગલે હથનુર ડેમમાં હેવી ઇનફલો આવતા સપાટીમાં વધારો થતા ત્યાં ના સતાધીશોએ ડેમના ૪૧ દરવાજા ખુલ્લા કરીને ૨ લાખ કયુસેક સુધી પાણી છોડવાની શરૃઆત કરી હતી.જો કે રાત્રીના પાણી છોડયા બાદ આજે દિવસના ઘટાડી દેવાયુ હતુ.પરંતુ સાંજના છ વાગ્યાથી ફરી હથનુર ડેમમાંથી ૧.૧૭ લાખ કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ.આ પાણી ઉકાઇ ડેમમાં આવતા ૨૪ થી૩૬ કલાકના સમય લાગે છે.જેના પગલે આગામી દિવસોમાં ઉકાઇ ડેમમાં હેવી ઇનફલો આવવાની શકયતાઓ છે.

દરમ્યાન આજે ઉકાઇ ડેમમાં આખો દિવસ દરમ્યાન ૬૬ હજાર કયુસેક થી લઇને ૫૩ હજાર કયુસેક સુધીનો ઇનફલો આવ્યો હતો.સવારેે છ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૨૬.૧૭ ફુટ નોંધાઇ હતી.૧૨ કલાક પછી સાંજે છ વાગ્યે અડધો ફુટનો વધારો થઇને ૩૨૬.૭૬ ફુટ થઇ હતી.સપાટીમાં સતત વધારો થતા હવે ઉકાઇ ડેમના રૃલલેવલ ૩૩૩ ફુટ થી સપાટી સવા છ ફુટ અને ભયજનક સપાટી ૩૪૫ ફુટથી ૧૮ ફુટ ઓછી છે.

Share Now