કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં દેશભરના વેપારીઓનું શનિવારે બંધનું એલાન

217

મુંબઈ : નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનબ્રાન્ડેડ પેક અનાજમાં સમાવિષ્ટ ઘઉં,ચોખા,કઠોળ,લોટ જેવા વિવિધ આવશ્યક અનાજ પર પાંચ ટકા જીએસટીનો નિર્ણય લાગુ કરાયો છે.જેનાથી દેશભરના તમામ વેપારીઓમાં ઉગ્ર વિરોધ વ્યાપ્યો છે.આથી વિરોધ પ્રદર્શનના દેખાવ રુપે ૧૬મી જુલાઈએ વેપારીઓ એકદિવસીય પ્રતીક બંધ રાખશે.

અનબ્રાન્ડેડ પેક્ડ ફૂડ્સ પર પાંચ ટકા જીએસટીના નિર્ણયને કારણે પહેલેથી ઓનલાઈન અને ઈ-કોમર્સનો માર ખમતાં વેપારીઓનો વેપાર સંપૂર્ણ ખલાસ થઈ જવાનો ભય રહેલો છે.વળી સામાન્ય નાગરિકોને પણ તેનાથી મોંઘવારીનો સામનો કરવો પડશે અને નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે.આથી આ કાયદો રદ્દ કરવા વિવિધ વેપારી મંડળોએ વારંવાર કેન્દ્ર સરકાર અને નાણાપ્રધાનને વિનંતી કરી પરંતુ તેનો કોઈ પ્રતિસાદ ન મળતાં હવે પ્રતિકાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું છે.

આજે ગ્રોમા હાઉસમાં લેવાયેલી બેઠકમાં ગ્રોમા,કેમીટ,ફામ,કૈટ,ગોળ મર્ચન્ટ્સ એસોસિએશન,એપીએમસી દાણાબજાર, મૂડીબજાર સહિત રાજ્યભરના વિવિધ વેપારી સંગઠનોએ ૧૬મી જુલાઈના ભારતમાં વેપાર બંધને સમર્થન આપ્યું છે.સરકારના આ નિર્ણયથી દેશભરની ૭૩૦૦ બજારો,૧૩ હજાર દાળમિલો,૯૬૦૦ જેટલી ચોખાની મિલો,૮૦૦૦ જેટલી લોટની મિલો સહિત ત્રણ હજાર જેટલાં નાના-મોટા વેપારીઓને માઠી અસર થશે.એકતરફ કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડવાની વાત કરે છે,ત્યારે બીજી તરફ આવા નિર્ણયથી મોંઘવારી અને ઈન્સ્પેક્ટરરાજ વધશે અને વેપારી તેમજ ખેડૂતોને પણ તેની નબળી અસર થશે,એવું ગ્રોમાના પ્રમુખે જણાવ્યું હતું.

Share Now