નવી દિલ્હી : તા.15 જુલાઈ 2022,શુક્રવાર : કોરોના મહામારીએ આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી ત્યાર બાદ તેનાથી રક્ષણ માટે કોરોના વેક્સિનનું સંશોધન કરવામાં આવ્યું હતું.કોરોનાથી બચવા માટે માસ્ક અને વેક્સિન ખૂબ જ વિશ્વસનીય ઉપાયો માનવામાં આવે છે.દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આજથી દેશના 18થી 59 વર્ષની ઉંમરના તમામ લોકો સરકારી વેક્સિનેશન કેન્દ્ર ખાતેથી કોવિડ વેક્સિનનો બુસ્ટર ડોઝ/પ્રિકોશન ડોઝ/ત્રીજો મફતમાં લઈ શકશે.
આગામી 75 દિવસ સુધી નિશ્ચિત વય મર્યાદા ધરાવતી કોઈ પણ વ્યક્તિ સરકારી વેક્સિનેશન કેન્દ્ર પરથી ફ્રીમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લઈ શકશે.75 દિવસના એક વિશેષ અભિયાન અંતર્ગત આ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે.સત્તાવાર સૂત્રોના કહેવા પ્રમાણે કોવિડના પ્રિકોશન ડોઝ અંગે લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આ અભિયાન ચલાવવામાં આવશે.