એકનાથ શિંદેએ રાત્રે એક વાગ્યે વધુ એક વાર આ રાગ આલાપ્યો. તેમના એક વિધાનસભ્યે રાખેલા એક કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા શિવસેનાના વિધાનસભ્ય સંજય શિરસાટે ગુરુવારે મોડી રાત્રે પ્રભાદેવીમાં આવેલા રવીન્દ્ર નાટ્યમંદિર સભાગૃહમાં શિવસેનાના વિધાનસભ્ય અબ્દુલ સત્તારનું સન્માન કરવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું,જેમાં રાતે એક વાગ્યે પહોંચેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાકતાં કહ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ પેદા થવા બદલ આત્મનિરીક્ષણ કરવાને બદલે અમારા જેવા શિવસૈનિકોને ગદ્દાર કહીને શું મેળવ્યું? પક્ષના મુખ્ય પ્રધાન હોવા છતાં કામ થયાં નહીં અને શિવસેના અનેક ચૂંટણીમાં ચોથા નંબરે ધકેલાઈ ગઈ,એના માટે કોણ જવાબદાર? એવો સવાલ કર્યો હતો.મુખ્ય પ્રધાન રાતે ૧૧ વાગ્યે પહોંચવાના હતા,પરંતુ તેઓ વ્યસ્ત હોવાથી આ કાર્યક્રમમાં ૧૨.૪૫ વાગ્યે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
કાર્યકરોને સંબોધન કરતી વખતે મુખ્ય પ્રધાને આગળ કહ્યું હતું કે મારી સાથે જેઓ આવ્યા છે તેઓ અંગત સ્વાર્થ માટે નથી આવ્યા.તેમનો સંબંધ મતદાર સંઘ સાથે છે.પોતાના વિસ્તારમાં કંઈ કામ કરવાં હોય તો એના માટે ફંડની જરૂર રહે છે.અગાઉની સરકારમાં ફંડ મળવું તો દૂર રહ્યું અનેક શિવસૈનિકો સામે એફઆઇઆર નોંધવામાં આવી.અધિકાર હોવા છતાં અને સરકારમાં હતા તો પણ શિવસૈનિકોની મદદ કરી નહોતા શક્યા બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે સત્તામાં હોઈએ ત્યારે શિવસૈનિકોનો વાળ પણ વાંકો ન થવો જોઈએ.અમે તેમના હિન્દુત્વના વિચારને આગળ લઈ જઈ રહ્યા છીએ.તેમણે શિવસેનાને ક્યારેય કૉન્ગ્રેસ જેવો પક્ષ ન થવા દેવાનું કહ્યું હતું,એને જ અમે અનુસરી રહ્યા છીએ.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અંતમાં કહ્યું હતું કે અમે ધર્મવીર આનંદ દીઘેસાહેબના જીવન પરથી ફિલ્મ બનાવી.તમને બધાને એ પસંદ આવી છે,પણ કેટલાક લોકોને નથી ગમી.કોઈને ન ગમતી હોય તો એની હું ચિંતા નથી કરતો.મેં બાળાસાહેબ ઠાકરે અને આનંદ દીઘેસાહેબને મારા ગુરુ માન્યા છે અને તેમને પગલે જ આગળ ચાલી રહ્યો છું.અમારે શા માટે બહાર પડીને બીજેપી સાથે જવું પડ્યું એ માટે આત્મપરીક્ષણ કરવાને બદલે અમને ગદ્દાર,બળવો કરનારા કહેવાય છે.આ બળવો નહીં,પણ શિવસેનાને આગળ લઈ જવાનું કામ છે,ક્રાંતિ છે.
શિવસેનામાં બળવો કરનારાઓ ફરી ક્યારેય ચૂંટાતા નથી એવો પ્રચાર વિરોધીઓ દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યો છે.તેમને જવાબ આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કાર્યકરોને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે પહેલાંની વાત જુદી હતી.હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ છે.અત્યારે પક્ષમાં બળવો નથી થયો,પણ શિવસેનાને આગળ લઈ જવાનો મામલો છે.આથી હું દાવા સાથે કહું છું કે મારી સાથે આવેલા શિવસેના સહિત અપક્ષ મળીને જે પચાસ વિધાનસભ્યોમાંથી આગામી ચૂંટણીમાં એક પણ હારશે તો હું કાયમને માટે રાજકારણને રામ-રામ કરી દઈશ.