રેડ અને ઑરેન્જ અલર્ટ પૂરો થતાં સુધરાઈએ મુંબઈગરાઓ માટે દરિયાકિનારા ફરીથી ખુલ્લા મૂકી દીધા બે અઠવાડિયાં અવિરત વરસાદ પડ્યા બાદ આજે મુંબઈગરા સૂર્યપ્રકાશ જોઈ શકશે.હવે કોઈ રેડ કે ઑરેન્જ અલર્ટ ન હોવાથી ફરીથી સપ્તાહાંતે મુંબઈગરાઓ બીચ પર આનંદ માણી શકશે.ભારે વરસાદને કારણે શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં પાણીના જથ્થામાં પણ ૭૫ ટકાનો વધારો નોંધાયો છે.
બીએમસીએ ભારે વરસાદની આગાહીને પગલે સાવચેતીનાં પગલાંરૂપે ૭મી જુલાઈથી બીચ પર પ્રવેશવા પ્રતિબંધ મૂક્યો હતો.ચાલુ વર્ષે પાણીમાં ડૂબીને મૃત્યુ થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.બીએમસીના આદેશાનુસાર ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ અને ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી હોવાથી છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન સવારે છથી સવારે ૧૦ વાગ્યા દરમ્યાન જ મુંબઈગરાઓ માટે બીચ ખુલ્લો રાખવામાં આવ્યો હતો,બાકીના સમય માટે બીચ પર પ્રવેશ બંધ હતો.
જળાશયોમાં પાણીનો સ્તર વધ્યો
મોડકસાગર અને તાનસા છલકાઈ ગયાં છે તથા તુલસીમાં પણ ૯૫ ટકા કરતાં વધુ જથ્થો સંગ્રહ થઈ ચૂક્યો છે.આમ જુલાઈનાં પહેલા બે જ અઠવાડિયાંમાં જળાશયોમાં પાણીનો સ્તર નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે.ગઈ કાલની આંકડાકીય વિગતોને ધ્યાનમાં લઈએ તો પાણીનો સ્તર ૨૦૨૧ અને ૨૦૨૦ના અનુક્રમે ૧૭ અને ૨૬ ટકા સામે ૭૫ ટકા જેટલો થઈ ગયો છે.સાત જળાશયોની કુલ ક્ષમતા ૧૪.૪૭ લાખ મિલ્યન લિટર છે.જો વરસાદની સીઝનના અંત સુધી(૩૦ સપ્ટેમ્બર)માં તમામ જળાશયો ૧૦૦ ટકા છલકાઈ ગયાં તો શહેરને વર્ષ દરમ્યાન અવિરત પાણી મળતું રહેશે.સીઝનના સરેરાશ ૨૨૦૦ મિલીમીટર સામે અત્યાર સુધીમાં મુંબઈમાં ૧૩૭૮ મિલીમીટર વરસાદ પડ્યો છે.