રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે થોડાક દિવસ જ બાકી છે.એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુને પૉલિટિકલ પાર્ટીઓ તરફથી જોરદાર સપોર્ટ મળી રહ્યો છે.રિસન્ટલી ઝારખંડ મુક્તિ મોર્ચાએ પણ મુર્મુને સપોર્ટ આપવાની જાહેરાત કરી છે.મહારાષ્ટ્રથી લઈને ઝારખંડ સુધીની અનેક મુખ્ય પૉલિટિકલ પાર્ટીઓએ પોતાની સાથી પાર્ટીથી અલગ મત અપનાવ્યો છે.ખાસ વાત એ છે કે આ સપોર્ટને લઈને ગઠબંધનોમાં તિરાડ પડશે તો એનાથી કૉન્ગ્રેસને સૌથી વધુ નુકસાન થઈ શકે છે.
ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોર્ચા,કૉન્ગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળની ગઠબંધન સરકાર છે.આ ગઠબંધન સરકારમાં ઝારખંડ મુક્તિ મોર્ચા અને કૉન્ગ્રેસ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તનાવજનક સ્થિતિ છે.હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સપોર્ટ આપવાને લઈને પણ બન્ને પાર્ટી વચ્ચેની તિરાડ વધી છે.વિપક્ષી દળોના ઉમેદવાર યશવંત સિંહાના સપોર્ટમાં કૉન્ગ્રેસ છે તો બીજી બાજુ મુખ્ય પ્રધાન હેમંત સોરેન હવે મુર્મુને સપોર્ટ આપવાની વાત કહી છે.ઝારખંડ મુક્તિ મોર્ચાની મુખ્યત્વે વોટબૅન્ક આદિવાસીઓ હોવાના કારણે જ આ પાર્ટીએ મુર્મુને સપોર્ટ આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના ગઠબંધનને લઈને પણ અસમંજસની સ્થિતિ છે.સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે મુર્મુને સપોર્ટ આપવાની જાહેરાત કરી છે.રાજભરે એમ પણ જણાવ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તરફથી મુર્મુ માટે આયોજિત ડિનર પાર્ટીમાં પણ સામેલ હતા.ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના બાકી રહેલા સંસદસભ્યો અને વિધાનસભ્યોએ મુર્મુની તરફેણમાં જવાની જાહેરાત કરી છે.જોકે કૉન્ગ્રેસ અને એનસીપી સિંહાની સાથે છે.