સુરત : સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આકાશ માંથી આફત વરસી રહી છે ત્યારે સોથી વધુ અસરગ્રસ્ત સુરત ને અડીને આવેલું નવસારી બન્યું છે.આફતમાં આવેલા નવસારી ની મદદે સુરત મ્યુનિ. તંત્ર લાગી ગયું છે ત્યારે બીજી તરફ સુરતમાં કેટલાક રાજકારણીઓ ખાડાના મુદ્દે રાજકારણ કરી રહ્યાં છે.પાલિકાની ટીમ માનવતા માટે નવસારી કામગીરી કરી રહી છે ત્યારે સુરતમાં કેટલાક રાજકારણીઓ ખાડા પુરવા માટે પબ્લીસીટી સ્ટંટ કરી રહ્યાં છે.જેના કારણે થતાં ટ્રાફિક જામથી લોકો ગુસ્સે ભરાયા છે.રાજકારણીઓ ફોટો સેશન માટે નહીં પરંતુ સાચે ખાડા પુરે તેવી વાત કરી રહ્યાં છે.
સુરત મ્યુનિ.ના ભાજપ શાસકોના અણઘડ વહીવટના કારણે ચોમાસામાં અનેક રસ્તાઓ તૂટી ગયાં છે અને ખાડા પડી ગયાં છે તેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે તે હકીકત છે.પાલિકાની નબળી કામગીરી સામે ભારે પસ્તાળ પડી છે અને લોકોમાં રોષ પણ છે.જોકે,બીજી તરફ સુરત કરતાં વધુ વધુ મુશ્કેલીમાં નવસારી શહેર અને જિલ્લો છે.નવસારી શહેરનો મોટા ભાગનો વિસ્તાર નદી પુરની ઝપેટમાં આવી ગયો છે.
બે દિવસથી નવસારીના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે અને લોકોની મુશ્કેલી વધી રહી છે.હાલ પાણી ઓસરી રહ્યા છે ત્યારે જો નવસારીમા સફાઈ ન થાય તો રોગચાળો ફેલાઈ શકે તેમ છે.આવી સ્થિતિને પહોંચી વળવા માટે સુરત મ્યુનિ.તંત્રએ ઓફરેશન નિર્મયા નામ આપીને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ,વાહનો સાથેની 200 કર્મચારીઓની ટીમ નવસારી પહોંચાડીને કામગીરી શરુ કરી દીધી છે.આ ઉપરાંત ગઈકાલથી ફાયરની ટીમ પણ રાહત અને બચાવ કામગીરી માં મંડી પડી છે.
સુરતના ખાડા કરતા હાલ નવસારી શહેરના લોકોને રોગચાળામાં થી બચાવવા જરૂર હોવાથી પાલિકાની ટીમ કામગીરી કરી રહી છે તો બીજી તરફ સુરતમાં કેટલાક રાજકીય પક્ષો સુરતના ખાડાને લઈ રાજકારણ માટે નિકળી પડ્યા છે.ગઈ કાલ અને આજે શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રાજકારણીઓએ ખાડા પુરવા અભિયાન શરુ કરીને ફોટો સેશન કર્યું હતું.રાજકારણીઓનું અભિયાન પીક અવર્સમાં જ થતું હોય ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.જેના કારણે લોકો રાજકારણીઓ પર રોષે ભરાઈ રહ્યાં છે.
લોકોમાં એવી આક્રોશ છે કે સુરત ના શાસકો કામગીરીમાં નિષ્ફળ ગયાં છે તે વાત હકીકત છે પરંતુ હાલમાં નવસારીને મદદ કરવાનો પાલિકા તંત્રનો નિર્ણય માનવીય અભિગમ છે અને જરુરી છે.આવા સમયમાં ખાડા પર જે રાજકારણ થઈ રહ્યું છે તે યોગ્ય નથી.જો રાજકારણીઓ સાચે જ પ્રજા મદદરૂપ થવા માગતા હોય તો ફોટો સેશન વાળા ખાડા પુરવાના બદલે કાર્યકરો સાથે ભેગા મળીને બધા ખાડા પુરવાની કામગીરી કરવી જોઈએ.