પનવેલ પાસે બિનવારસી કન્ટેનરમાંથી 362 કરોડનું હેરોઈન જપ્ત

165

મુંબઈ : મુંબઈ નજીકના પનવેલમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૬૨ કરોડની કિંમતના મનાતા ૭૩ કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરાયો તો.આ હેરોઈન ન્હાવા શેવા ખાતે આયાત કરવામાં આવ્યું હતું. તે પનવેલ પાસે આજિવલી ગામે એક લોજિસ્ટિક કંપનીમાં એક કન્ટેનરમાં લાવવામાં આવ્યું હતું. જોકે, બાદમાં બિનવારસી છોડી દેવાયેલાં કન્ટેનરમાંથી બાતમીના આધારે નવી મુંબઈ પોલીસે આ જથ્થો જપ્ત કર્યો હતો.

નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ જથ્થો પકડયો ત્યારે શરુઆતમાં તે મોર્ફિન હોવાનું મનાતું હતું. પરંતુ બાદમાં ૧૬૮ પેકેટમાં રહેલો ૭૩ કિલો જથ્થો હેરોઈનનો છે તેવી પુષ્ટિ કરવામાં આવી હતી. દરમિયાન અન્ય અહેવાલ અનુસાર પંજાબના ડીજીપી ગુરવ યાદવે જણાવ્યું હતું કે યુએઈ(સંયુક્ત આરબ અમિરાત)થી હેરોઈનની દાણચોરી કરવામાં આવી રહી હોવાની માહિતી ઈન્ટેલિજન્સ પાસેથી મળી હતી.દિલ્હીના બિઝનેસ મેને ટાઈલ્સની આયાત કરાવી હતી.ટાઈલ્સ ભરેલાં કન્ટેનરના દરવાજામાં હેરોઈન સંતાડવામાં આવ્યું હતું.દરવાજાને વેલ્ડીંગ કરી ફરી કલર કરવામાં આવ્યો હતો.ટાઈલ્સની ડિલિવરી લેવા કોઈ આવ્યું ન હતું.તેના આધારે શંકા જતાં કન્ટેનરની તપાસ હાથ ધરાતાં આ જથ્થો મળી આવ્યો હતો.મહારાષ્ટ્ર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હોવાનું પંજાબ પોલીસે કહ્યું હતું.

Share Now