સુરત એરપોર્ટ પરથી પણ યાત્રીઓ કરી શકશે શોપિંગ, જાણો તંત્રની કેવી છે તૈયારી

265

– AAI એ મુસાફરોની સુવિધામાં વધારો કરવા રેડીમેડ ગારમેન્ટ અને જરૂરી સામાન એરપોર્ટ પર જ મળી રહે તે માટેની સુવિધા
– જો કે એરપોર્ટ પર free WiFi, બેંક ATM, પેઇડ ટેક્સી સેવાના અભાવથી યાત્રીઓ પરેશાન

સુરત : સુરત એરપોર્ટના વિસ્તરણ અને ડેવલોપમેન્ટની કામગીરી હાલ ચાલી રહી છે.ત્યારે 353 કરોડના ખર્ચે 2023 સુધીમા સુરત એરપોર્ટના વિકાસના કામો પૂર્ણ થશે. ત્યારે બીજી તરફ હાલ સુરત એરપોર્ટ પરથી વધતી જતી મુસાફરોની સંખ્યા અને યાત્રીઓની માંગને જોતા સુરત એરપોર્ટ પર રેડીમેડ ગારમેન્ટ અને મુસાફરીનો સામાન એરપોર્ટ પર જ મળી રહે તે માટેની સુવિધા ઊભી કરવા ડાયરેકટર અમન સોની દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.જે પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ મામલે બે ટેન્ડર બહાર પાડવામા આવ્યા હતા.જેમા મુસાફરીનો સામાન વેચવાનું ટેન્ડર રાજસ્થાની કંપનીને અને રેડીમેડ ગારમેન્ટનું ટેન્ડર સુરતના ખાનગી દુકાનદારને મળ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સુરત એરપોર્ટ પરથી હાલમાં મહિને લાખોની સંખ્યામાં યાત્રીઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરી કરી રહ્યા છે.ત્યારે મુસાફરી કરતા યાત્રીઓને ઘણી વખત કપડાં અને અન્ય ચીજ વસ્તુઓની જરૂરિયાત પડતી હોય છે પરંતુ સુરત એરપોર્ટ પર આ પ્રકારની શોપિંગ માટેની કોઈ જ સુવિધા ન હોય ઘણી વાર યાત્રીઓએ હેરાન થવાનો વારો આવતો હતો જે વાત ડાયરેક્ટર અમન સોનીને ધ્યાને આવતા તેઓ દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને પત્ર લખી સુરત એરપોર્ટ પર રેડીમેટ ગારમેન્ટ અને મુસાફરી દરમિયાન જરૂરી ચીજ વસ્તુઓ એરપોર્ટ પર મળી રહે તે માટે પત્ર લખી રજૂઆત કરી હતી.જે બાદ એરપોર્ટ ઓથોરિટી બે ટેન્ડર બહાર પાડ્યા હતા.જેથી હવે સુરત એરપોર્ટ થી મુસાફરી કરતા લોકોને સુવિધામાં વધુ એક ઉમેરો થયો છે.પરંતુ બીજી તરફ ભારતના અન્ય રાજ્યોના મુલાકાતીઓ અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરતા પ્રવાસીઓ હકારાત્મક છાપ છોડવામાં નિષ્ફ્ળ સાબિત થયું છે.ખાસ કરીને સુરત એરપોર્ટ “આંતરરાષ્ટ્રીય એરપોર્ટ”નું શીર્ષક ધરાવતું હોવા છતાં દેશના અન્ય વિકસિત એરપોર્ટ કરતાં ઘણું પાછળ છે.કારણ કે હજી પણ સુરત એરપોર્ટ પર પેસેન્જર-ફ્રેન્ડલી મૂળભૂત સેવાઓ જેવી કે free WiFi, બેંક ATM, પેઇડ ટેક્સી સેવા તેમજ રનવે લાઇટની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નથી આવી.જોકે આ મુદ્દે સુરત એરપોર્ટના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી આ ફરિયાદ મુદ્દે જવાબ આપીને જણાવવામાં આવ્યું છે કે મુસાફરોની સમસ્યાને દૂર કરવા તેઓ પ્રયત્નશીલ છે.

Share Now