– કેજરીવાલની જાહેરાત પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ટ્વીટ
– કેજરીવાલે પાટીલનાં ટ્વીટનો વળતો જવાબ આપ્યો
સુરત : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તા પક્ષ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષ કામે લાગ્યા છે.ખાસ કરીને આવનારી વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપને કારમી હાર આપવા માટે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે.જેને લઇને ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.ભાજપ અને આમ આદમી પાર્ટી આકરા પ્રહાર કરતા દેખાય છે.ત્યારે આજે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાટીદારનાં ગઢ ગણાતા સુરતમાં આવ્યા હતા.અહીં તેમણે ગુજરાતની જનતા માટે ખાસ મહત્વની જાહેરાત કરી છે.
આજે સુરતમાં આવેલા અરવિંદ કેજરીવાલ પ્રથમ ગેરંટી સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે.જ્યારે ગુજરાતની પ્રજાને બે મહિનાની 600 યુનિટની વીજળી મફત મળશે.આ સાથે જ ગુજરાતમાં જ્યાં વીજળી કાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.તેમજ 31 ડિસેમ્બર 2021 પહેલાંનાં તમામ જૂના બિલ માફ કરવાની જાહેરાત કરી હતી.
કેજરીવાલની આ મહત્વની ત્રણ ગેરંટીને લઇને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કટાક્ષભર્યુ ટ્વીટ કર્યુ હતુ.તેમણે કહ્યુ કે “વચનમ્ કિમ દરિદ્રતા” અર્થાત શા માટે આપણે શબ્દોથી ગરીબ હોઈએ? જેના વળતા જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે પાટીલ સાહેબ, આ કેજરીવાલની ગેરંટી છે.અમે જે કહીએ છીએ તે કરીએ છીએ.જનતાને ફાયદો થઈ રહ્યો છે.ગુજરાતની જનતાનો વિરોધ કેમ કરો છો?
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે.ભાજપને હરાવવા માટે તમામ બનતી કોશીશ કરી રહી છે.જેને લઇને જનતા વચ્ચે જઇને અનેક કાર્યક્રમો કરી રહી છે.આ સાથે જ આજે સુરતમાં આવેલા કેજરીવાલે ગુજરાતની જનતા માટે મહત્વની જાહેરાત કરી હતી જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.