Didi Global ને ચીને ફટકાર્યો 1.2 અબજ ડોલરનો તોતિંગ દંડ

151

બેઇજિંગ, તા.21 જુલાઈ 2022,ગુરૂવાર : ચીનની ઇન્ટરનેટ રેગ્યુલેટરીએ રાઇડ હેલિંગ કંપની દીદી ગ્લોબલને 1.2 અબજ ડોલર (8 અબજ યુઆઇ)નો તોતિંગ દંડ ફટકાર્યો છે.કંપની પર સાઇબર સિક્યોરિટી પ્રથાઓનું ઉલ્લંઘનનો આરોપ છે અને આ મામલે નિયામક દ્વારા તપાસ બાદ દંડ કરાયો છે.ટીનના સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશને એક નિવેદનમાં જણાવ્યુ કે, દીદી ગ્લોબલ કંપનીએ ચીનના નેટવર્ક સિક્યોરિટી લો, ડેટા સિક્યોરિટી લો અને વ્યક્તિગત માહિતીને સુરક્ષિત કરતા કાયદાઓનું ઉલ્લંઘન કર્યુ હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.

વધુમાં જણાવ્યુ કે, દીદી ગ્લોબલની ગેરકાયદેસર પ્રવૃતિથી રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર જોખમો ઉભા થયા હતા,જે દેશની ગુપ્ત આંતરિક માહિતીનું માળખું અને ડેટા સિક્યોરિટી પ્રભાવિત થયા છે.દીદી કંપનીનાના ચેરમેન ચેંગ વેઈ અને પ્રમુખ જીન લિયુને 1,48,000 ડોલર (10 લાખ યુઆન)નો દંડ કરાયો છે કારણ કે તેઓને કંપની દ્વારા નિયમ ઉલ્લંઘન માટે જવાબદાર છે.

દીદી ગ્લોબલ કંપનીએ ગેરકાયદેસર રીતે લગભગ 1.2 કરોડ સ્ક્રીનશૉટ્સ અને 10.7 કરોડ મુસાફરોના ફેશિયલ રેકગ્નિશન ડેટા અને 16.7 કરોડથી વધુ લોકેશન ડેટાના રેકોર્ડ અને અન્ય માહિતીઓનું સ્ટોરેજ કર્યુ હતુ.કંપની દ્વારા નિયમ ઉલ્લંઘનની શરૂઆત જૂન 2015થી થઈ હતી.

દીદી ગ્લોબલએ તેના સત્તાવાર Weibo સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે આ નિર્ણયનો સ્વીકાર કર્યો છે.અમે આને ચેતવણી તરીકે ધ્યાનમાં લઈશું, અને સુરક્ષા અને વિકાસ બંને પર સમાન ધ્યાન આપવાનું ચાલુ રાખીશું.

ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ ખાતે જૂન 2021માં લિસ્ટિંગ થયાના થોડાંક જ દિવસ બાદ દીદી ગ્લોબલ વિરુદ્ધ તપાસ શરૂ થઇ હતી.તપાસના અહેવાલ બાદ કંપનીનો શેર તેની લિસ્ટિંગ પ્રાઇસથી 80 ટકા કરતા વધારે તૂટ્યો હતો.કંપની 10 જૂનના રોજ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાંથી ડિલિસ્ટ કરાઇ હતી.

Share Now