– આરોપી કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરતો હતો અને તેની પોસ્ટ પર અશ્લીલ કોમેન્ટ લખતો હતો
મુંબઈ, તા. 25 જુલાઈ 2022, સોમવાર : કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ સામે આવ્યા છે.મુંબઈ પોલીસે આ મામલામાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે.અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આ કેસ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.વિકી અને કેટરીનાને કથિત રીતે સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને તપાસ હાથધરી છે.
મુંબઈ પોલીસની સાયબર બ્રાન્ચે આરોપીની ઓળખ કરી લીધી છે.આરોપી કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરતો હતો અને તેની પોસ્ટ પર અશ્લીલ કોમેન્ટ લખતો હતો.પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 506 (2) (ધમકી) અને 354 (ડી) (મહિલાનું અપમાન) હેઠળ કેસ નોંધ્યો છે.પોલીસે આરોપીઓ સામે IT એક્ટ 67 (અશ્લીલ ફોટા, વીડિયો અને કોમેન્ટ્સ પોસ્ટ કરવા) હેઠળ પણ કેસ નોંધ્યો છે.
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કેટરિના કૈફને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક કરી રહ્યો હતો અને તેણે ઈન્સ્ટાગ્રામ પર જ અભિનેત્રીને ધમકીભર્યો મેસેઝ મોકલ્યો હતો.વિકી કૌશલે ફરિયાદ નોંધાવી હતી.તેની ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, આરોપી તેની પત્નીને સ્ટોક કરતો હતો અને ધમકીઓ આપતો હતો.
વિકી અને કેટરિના હાલમાં જ કેટરિનાના જન્મદિવસની ઉજવણી નિમિતે માલદીવ ગયા હતાં.ત્યાર બાદ વિકીએ આ ધમકી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.