લઠ્ઠાકાંડ : ‘સૂકા ભેગું લીલુ બળ્યું’ નશાબંધી પર કાર્યવાહી ના થઈ પોલીસ પર દોષનો ટોપલો ઢોળાયો

201

અમદાવાદ,તા.29 જુલાઈ 2022,શુક્રવાર : કેમિકલ કાંડમાં સરકારે કાર્યવાહી કરી બે જીલ્લાના એસપીની બદલી તેમજ અન્યોને સસ્પેન્ડ કરી કાર્યવાહી કરતા સૂકા ભેગું લીલુ બળ્યું કહેવતની ઉલ્ટી ગંગા વહ્યા જેવા ઘાટ થયાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી હતી.મિથેનોલના લાઈસંસના નિયમોનું પાલન થાય છે કે નહી તેની પર નજર રાખવાની જવાબદારી નશાબંધી વિભાગની હોવા છતાં તેઓ સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી.સમગ્ર મામલે પોલીસ અધિકારી અને કર્મચારીઓને દોષી ગણી રાજય સરકારે બદલી અને સસ્પેન્ડ કરવાના હુકમો કર્યા હતા.નશાબંધી ખાતાની બેજવાદારીને નજર અંદાજ કરી તેઓ સામે કાર્યવાહી કર્યા વગર જ દોષનો ટોપલો પોલીસ પર ઢોળી દેવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં નારાજગી જોવા મળી રહ્યાની ચર્ચા છે.

મિથેનોલ પર નજર નશાબંધીની છતાં પગલાં ના લેવાતા પોલીસ બેડામાં નારાજગી જોવાઈ

મિથેનોલ કેમિકલના નિયમો મુજબ લાઈસંસ ધારકની કંપનીમાં ૨૫૦થી લીટરથી વધુ કેમિકલ હોય તો જે તે અધિકારીને જાણ કરવાની હોય છે.આ ઉપરાંત કેમિકલની આવક, જાવક અને ઘટની તપાસના હિસાબોના ચોપડા પણ જે તે અધિકારીએ ચેક કરવાના હોય છે.એમોસ કંપનીમાં પાંચ મહિના ટૂંકાગાળામાં ૬૦૦ લીટર જેટલું મિથેનોલ કેમિકલ જયેશે એકત્ર કર્યું તો નશાબંધી અધિકારીઓના ધ્યાન પર કેમ ના આવ્યું તે સવાલ ઉપસ્થિત થયો છે.જે કંપનીનું લાઈસંસ રિન્યુ ના થયું હોય તે કંપનીમાં મિથેનોલ કેમિકલ હોય તે નશાબંધી ખાતાએ પોતાના હસ્તક રાખવાનું હોય છે.એમોસ કંપનીએ લાઈસંસ રિન્યુ ના કરાવ્યું હોવા છતાં કંપનીમાં મિથેનોલ કેમિકલ આવતું બેરલમાંથી અઢી લીટરની બોટલમાં કેમિકલ ભરવાની પ્રક્રિયા થતી હતી.આ બાબતથી નશાબંધીના અધિકારીઓ અજાણ હોય તે વાત માન્યામાં આવે તેવી નથી.માની લઈએ અધિકારીઓ અજાણ હતા તો તેમાં તેઓની નિષ્કાળજી છતી થાય છે.

નશાબંધી ખાતાના અધિકારીઓની આ મામલે ગંભીર બેદરકારી સ્પષ્ટ છતી થઈ હોવા છતાં તેઓ સામે કોઈ કાર્યવાહી ના થઈ તે મુદ્દો ચોંકાવનારો છે.પોલીસ બેડામાં ચર્ચા છે કે, નશાબંધી ખાતાએ પોતાની જવાબદારી ચોક્કસાઈ પૂર્વક નિભાવી હોત તો એમોસ કંપનીમાંથી કેમિકલ બહાર જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.પોલીસની નિષ્ક્રીયતા પણ ગંભીર બેદરકારી નશાબંધી ખાતાના લાગતા વળગતા અધિકારીઓની હોવાની લોકમુખે ચર્ચા છે.નશાબંધી ખાતાની જે તે કંપનીમાં તપાસ કરી કેમિકલ સ્ટોક ચેક કરવાની જવાબદારી છતાં કોઈ તપાસ થઈ હોય તેવું લાગતું નથી.જયેશે કેમિકલ વેસ્ટ થોડું થોડું સંગ્રહ કરી ચાર થી પાંચ માસના ટૂંકાગાળામાં ૬૦૦ લીટર કેમિકલ એકત્ર કર્યું હતું.આ કેમિકલ નશાબંધી અધિકારીઓની તપાસમાં નજરે ના ચડે તેવું તો બની ના શકે.આમ, આ મામલે વધુ ઘટસ્ફોટ કંપનીના સંચાલકો અને કેમિકલ કાંડનો આરોપી જયેશ જ તપાસમાં કરી શકે છે.

Share Now