– આ એક પોલિટિકલ ષડયંત્ર છે.વિદ્યાર્થી એ જે આક્ષેપો કાર્ય છે તે પુરવાર નહિ કરી શકે તો હું માનહાનીનો દાવો પણ કરીશ : પ્રોફેસર નિકુલ પટેલ
વડોદરા : વડોદરાની જગવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં એક વિદ્યાર્થીએ પ્રોફેસર વિરુદ્ધ સનસનીખેજ આરોપો કરતો પત્ર સેનેટ – સિન્ડિકેટ મેમ્બર તથા વાઇસ ચાન્સેલરને લખીને મોકલતા ખળભળાટ મચી જવા પામ્યો છે.સમગ્ર મામલે હવે વાઇસ ચાન્સેલર શું કાર્યવાહી હાથ ધરે છે તેના પર સૌકોઈની નજર રહેલી છે.જો કે પ્રોફેસરે તમામ આરોપોને ફગાવી દીધા હતા અને આ મામલે કાયદાકીય જોગવાઈ અનુસાર લડી લેવાની તૈયારી બતાવી હતી.
વિદ્યાર્થીએ MSU ના વાઇસ ચાન્સેલરને ઉદ્દેશી કરેલી અરજી સ્વરૂપે કરેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હું એમ.એસ.યુનિર્વસિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં મીકેનિકલ એન્જીનિયરનો અભ્યાસ કરતો હતો.જે અભ્યાસ હાલમાં જ પૂર્ણ થયેલ છે.બહાર વિદેશમાં ભણવા માટે તથા સારી કંપનીમાં જોબ કરવા માટે રેકમેન્ડેશન પત્રની જરૂરીયાત હોવાથી તા. 25ના રોજ મીકેનીકલ ડિપાર્ટમેન્ટના આસીસ્ટન્ટ પ્રોફેસર નિકુલ ખુશાલભાઇ પટેલનો સંપર્ક સાધ્યો હતો.જે બાદ ફેકલ્ટીમાં સાંજે પાંચ વાગ્યાના સુમારે બોલાવ્યો હતો.વિદ્યાર્થી સાંજના 4.45 ના સુમારે એમ.એસ.યુનિર્વસીટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં મીકેનીકલ ડિપાર્ટમેન્ટમાં ગયો હતો. ત્યારે સાંજના પાંચ વાગ્યાના આસી.પ્રોફેસર નિકુલ પટેલને ફોન દ્વારા સંપર્ક સાધતા જવાબ માંડ્યો કે, હું 10 મીનીટમાં આવું છુ. ત્યારબાદ વિદ્યાર્થીતેઓની રાહ જોઇને બેસી રહ્યો હતો.આસી.પ્રોફેસર નિકુલ પટેલ એક કલાક બાદ સાંજના 6 વાગ્યે ઓફિસ પર આવ્યા હતા.
તેવામાં વિદ્યાર્થીએ નિકુલ પટેલને કહ્યું કે, સાહેબ બહુ મોડુ કર્યુ ત્યારે નિકુલ પટેલે અમને ગાળ બોલીને કહ્યું….તારા બાપનું રાજ ચાલે છે ? કામ તારે છે કે મારે છે ? કામ તારૂ છે એટલે મારી રાહ જોવી પડે.કહી ઓફીસમાં જતા રહ્યા હતા.જેથી વિદ્યાર્થી પણ તેઓની પાછળ ઓફીસમાં ગયા અને રેકમેન્ડેશન પત્ર માટે વાત કરી હતી.ત્યારે તેઓએ કોમ્પ્યુટરમાં ટાઇપ કરતા કરતા કહ્યું કે, તારે આવા પત્રો જોઇતા હોય તો બે-ત્રણ હજાર રૂપિયા અથવા સારા બ્રાંડની સ્કોચ વ્હીસ્કી લાવવી પડે.તો તું બે-ત્રણ હજાર રુપિયા લાવ્યો છે ? જેથી વિદ્યાર્થીને આશ્ર્ચર્ય થયું અને તે હેબતાઇ ગયો હતો.વિદ્યાર્થીએ નિકુલ પટેલને કહ્યુ કે, સાહેબ આ પત્ર આપવાનુ કામ તમારી ફરજમાં આવે છે જેના બદલે તમે રૂપિયા કે દારૂ માંગી ના શકો.જે આપવું નિયમો વિરૂદ્ધ છે.ત્યારે નિકુલ પટેલે ગંદી ગાળો બોલી હતી.તારે રેકોમેન્ડેશન જોઇતો હોય તો આ બધુ આપવુ જ પડે અને બીજા વિદ્યાર્થીઓ પણ આવા પત્રો કે મારાથી કામ કઢાવવા માટે મને રૂપિયા અને દારુ આપે જ છે.એમાં તું આપીશ તો કોઇ નવાઇની વાત નથી.ત્યારે વિદ્યાર્થીએ કહ્યુ કે, આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે મારા રાજ્યમાં કોઇ લાંચ આપવી નહી કે તે બાબતે કોઇ ભ્રષ્ટ્રાચાર થવા દેવો નહીં.આ જણાવતા જ નિકુલ પટેલ વિદ્યાર્થી પર ખૂબ જ ગુસ્સે થઈ ભડકી ઉઠ્યા હતા અને કહ્યુ કે તુ મને ઓળખતો નથી.હું કોંગ્રેસ પાર્ટીનો મોટો કાર્યકર્તા છું મારી પહોંચ રાહુલ ગાંધી સાથે ડાયરેક્ટ છે.હુ રોજ રાહુલ ગાંધી સાથે ફોન પર વાતચીત કરૂ છુ.
વધુમાં પત્રમાં જણાવ્યા અનુસાર, આ પત્ર તને આપુ છુ.પણ તું મારા ઘરે આવીને સારામાં સારી બ્રાંડની સ્કોચ વ્હીસ્કી આપી જજે.ત્યારે અમે પત્ર સ્વીકારીને નિકુલ પટેલ સાહેબને જણાવેલ કે, સાહેબ આ પત્ર આપવાની તમારી ફરજ છે.હું કોઇ નાણા કે કોઇ સ્કોચ વ્હીસ્કી આપીશ નહી.તેમ જણાવતા નિકુલ પટેલે અમને આપેલ પત્ર છીનવી લેવાની કોશીશ કરી હતી.અને ગંદી ગાળો પણ બોલી હાથ ઉપાડીને છુટ્ટા હાથથી મારમારી ધક્કો માર્યો હતો.તથા અમને કહ્યું કે, જો તુ મારા માટે બોટલ લઇને નહીં આવે તો તને ખબર પણ નહીં પડે અને તને માર મરાવડાવીશ.અને જો મારા વિરૂદ્ધ કોઇ પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મરાવી નંખાવીશ.ત્યારબાદ અમે ગભરાઇ ગયા હતા અને અમારી તબીયત ખરાબ થઇ ગયેલ હોવાથી ઘરે જતા રહ્યા હતા.નિકુલ પટેલથી આપવામાં આવેલી ધમકીથી અમે ખૂબ જ ડરી ગયા હતા અને ઘરે આવીને પિતાને હકીકત જણાવી હતી.
તો બીજી તરફ યુનિના પ્રોફેસર નિકુલ પટેલે વિદ્યાર્થી દ્વારા કરવામાં તમામ આરોપો ખોટા અને રાજનીતિ પ્રેરિત હોવાનું જણાવતા કહ્યું કે, હું સખત શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢું છું.ફરિયાદમાં કીધેલ દારૂ પીવાનું, પૈસા માંગવાનું, હું કોઈ દિવસ દારૂ પીતો નથી, પૈસા માંગતો નથી. મારા 20 વર્ષના કાર્યકાળ દરમિયાન હું કોઈ દિવસ ગાળો બોલ્યો નથી.ત્યાર બાદ મને એમ લાગે છે કે જે રીતે હું યુનિમાં કાર્ય કરી રહ્યો છું,આ એક પોલિટિકલ ષડયંત્ર છે.વિદ્યાર્થી એ જે આક્ષેપો કાર્ય છે તે પુરવાર નહિ કરી શકે તો હું માનહાનીનો દાવો પણ કરીશ.કાયદાકીય જોગવાઈ અનુસાર આ મામલે છેલ્લે સુધી લડી લઈશ. કારણકે આ મારી પ્રતિસ્થાનો,નિષ્ઠાનો,કાર્યક્ષમતાનો સવાલ છે.જે રીતે હું શિક્ષકો માટે પ્રશ્નો ઉઠાવું છું.કર્મચારીઓ માટે પ્રશ્નો ઉઠાવું છું. લોકોએ મને બીજી વખત ચૂંટીને સેનેટ મેમ્બર બનાવ્યો છે.હાલ સુધીમાં 32 કરોડના ગોટાળા સામે અવાજ ઉઠાવ્યો છે.ત્યાર બાદ તાજેતરમાં શિક્ષકો માટે ગાંધીનગરમાં આવેદન પત્ર આપીને ધારણા કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.આ બધો અવાજ દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેવું મારુ માનવું છે.
સિન્ડિકેટ મેમ્બર હસમુખ વાઘેલાએ કહ્યું કે, આ વર્તન અસંસદીય છે. આ મામલે કમિટીની રચના કરી ઊંડાણ પૂર્વક તાપસ કરવી જોઈએ.જેથી આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ટાળી શકાય.વધુમાં તેઓએ ઉમેર્યું કે, રેકમેન્ડેશન લેટર માટે યુનિ તંત્ર દ્વારા એક ફોર્મેટ બનાવવું જોઈએ, જેને કારણે ભવિષ્યમાં વિદ્યાર્થીઓએ આ પ્રકારની ઘટનાનો સામનો કરવો પડે.