– મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતનું ખુલ્લીને સમર્થન આપ્યું છે
મુંબઈ, તા. 01 ઓગષ્ટ 2022, સોમવાર : શિવસેનાના સાંસદ સંજય રાઉતને પાત્રા ચાલ કૌભાંડમાં રાહત નથી મળી.કોર્ટમાં સુનાવણી બાદ તેમને 4 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. EDએ કોર્ટ પાસે આઠ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ તે 4 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં રહેશે.ગઈ કાલે સાંજે EDએ સંજય રાઉતને તેમના ઘરેથી કસ્ટડીમાં લીધા હતા.ત્યારબાદ મધરાતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.આજે સવારે મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ ED તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં લાંબા સમય સુધી સુનાવણી ચાલી હતી.બીજી તરફ EDનું કહેવું છે કે, સંજય રાઉત તપાસમાં સહકાર નથી આપી રહ્યા.
ઉદ્ધવ ઠાકરેએ લીધો સંજય રાઉતનો પક્ષ
આજે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતનું ખુલ્લીને સમર્થન આપ્યું છે.ઉદ્ધવ ઠાકરે પાત્રાચાલ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચ્યા છે.ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના નેતાના ઘરે પહોંચીને પરિવારના સભ્યોને મળ્યા હતા.તેઓ સોમવારે બપોરે ભાંડુપમાં સંજય રાઉતના બંગલા મૈત્રી પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી.આ રીતે ઉદ્ધવ ઠાકરેએ મેસેજ આપ્યો છે કે, તેઓ મુશ્કેલ સમયમાં સંજય રાઉતની સાથે છે અને તેમને એકલા છોડ્યા નથી.
ખાસ કરીને એવા સમયે જ્યારે શિવસેનામાં ભાગલા જોવા મળ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાના સમર્થકોને આ રીતે મોટો મેસેજ આપ્યો છે.અહેવાલ અનુસાર ઉદ્ધવ ઠાકરે જ્યારે સંજય રાઉતના ઘરે પરિવારને મળ્યા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે તેમના પરિવારના સભ્યોને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.