– કોઈ પણ ટીમને ભોજનમાં બિરયાની નહોતા અપાઈ અને તમામ બિલ પર એક જ વ્યક્તિના અક્ષરો હોવાથી તે બોગસ હોવાનું સાબિત થયું
નવી દિલ્હી, તા. 03 ઓગષ્ટ 2022, બુધવાર : સરકારી નાણાં લોકો સુધી પહોંચવાના બદલે કઈ રીતે વચ્ચે જ ચવાઈ જાય છે તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.રમત-ગમત ક્ષેત્રના અધિકારીઓએ ખેલાડીઓની માળખાગત સુવિધાઓમાં વધારો કરવા માટે મળેલા 43 રૂપિયા બિરયાની ખાવામાં ઉડાવી દીધા હતા.સમગ્ર મુદ્દો સામે આવ્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જમ્મુ કાશ્મીર ફૂટબોલ એસોસિએશન (JKFA)ના અધિકારીઓ સામે 45 લાખ રૂપિયાના ગેરવહીવટ મામલે એફઆઈઆર દાખલ કરી છે.
ફૂટબોલ એસોસિએશનના અધિકારીઓએ જમ્મુ કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલ તરફથી મળેલા 45 લાખ રૂપિયાનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ છે.એસીબીના અધિકારીઓના કહેવા પ્રમાણે JKFAના પૂર્વ અધ્યક્ષ જમીર અહમદ ઠાકુર,કોષાધ્યક્ષ એસ એસ બંટી, મુખ્ય કાર્યકારી એસ એ હમીદ,જિલ્લા અધ્યક્ષ જેકેએફએ ફૈયાજ અહમદ તથા અન્ય સદસ્યોએ બોગસ અને મનઘડંત બિલ તૈયાર કરીને તે પૈસાની ઉઠાંતરી કરી છે.
કોઈ પણ ટીમને ખાવામાં બિરયાની મળી જ નથી
જમ્મુ કાશ્મીરમાં ખેલો ઈન્ડિયા તથા મુફ્તી મેમોરિયલ ગોલ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં ફૂટબોલ મેચના આયોજન માટે પૈસા આપવામાં આવ્યા હતા.ફૂટબોલ સંઘના અધિકારીઓએ તે મેચોના આયોજન દરમિયાન જિલ્લાની ટીમને ભોજનમાં બિરયાની આપવાના નામ પર મુઘલ દરબાર,પોલો વ્યૂ શ્રીનગર જેવી રેસ્ટોરાને 43,06,500 રૂપિયા આપ્યા હતા.પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સમગ્ર કાશ્મીરના કોઈ પણ જિલ્લાની કોઈ પણ ટીમને ભોજનમાં બિરયાની નહોતા અપાઈ.
સોપોરના એક શખ્સે જમ્મુ કાશ્મીર ખેલ પરિષદ તથા અન્ય સરકારી તથા અર્ધ સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા પૈસાથી કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.તે ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ હતી.તપાસમાં તમામ બિલ પર એક જ વ્યક્તિના અક્ષરો હોવાનું સામે આવ્યું છે જેથી તે બોગસ બિલ હોવાનું સાબિત થયું હતું.