ઇડીએ વેન્ટીલેશન વગરના રૂમમાં રાખ્યા હોવાની સંજય રાઉતની ફરિયાદ : કોર્ટે 8 ઓગસ્ટ સુધી કસ્ટડી લંબાવી

145

પતરા ચાલ જમીન કૌભાંડ કેસમાં પકડાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતની ઇડી કસ્ટડી આગામી 8 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી છે.પતરા ચાલ જમીન કૌભાંડ કેસમાં પકડાયેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતને કોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે સંજય રાઉતની ઇડી કસ્ટડી આગામી 8 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે.આજે તેમની કસ્ટડી પૂરી થતી હોવાથી મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ગત રવિવારે (31 જુલાઈ 2022) નવ કલાકની પૂછપરછ બાદ ઇડીએ સંજય રાઉતની ધરપકડ કરી લીધી હતી.જે બાદ એજન્સીએ તેમને મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.એજન્સીએ આઠ દિવસની કસ્ટડીની માંગ કરી હતી પરંતુ કોર્ટે તેમને ચાર ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યા હતા.જે બાદ આજે કસ્ટડી પૂર્ણ થતાં ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં સંજય રાઉતની ઇડી કસ્ટડી વધુ ચાર દિવસ માટે લંબાવી દેવામાં આવી છે.

નિર્ણય સંભળાવતા સ્પેશિયલ કોર્ટે કહ્યું હતું કે, એજન્સીએ તપાસ દરમિયાન નોંધપાત્ર પરિણામો મેળવ્યાં છે.કોર્ટે કહ્યું કે, 1.17 કરોડ અને 1.08 કરોડ રૂપિયાની લેવડદેવડ અંગે અગાઉ કોર્ટને જાણ ન હતી.હાલ અન્ય પણ કેટલીક રકમનો ખુલાસો થયો છે.સુનાવણી દરમિયાન સંજય રાઉતે કોર્ટને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, તેમને એક રૂમમાં રાખવામાં આવી રહ્યા છે,જ્યાં બારી પણ નથી અને હવાની અવરજવર પણ થતી નથી.જે મામલે કોર્ટે એજન્સી પાસે જવાબ માંગતા ઇડીએ જણાવ્યું હતું કે, રૂમમાં એસી હોવાના કારણે કોઈ બારી રાખવામાં આવી નથી.જે બાદ સંજય રાઉતે સ્વાસ્થ્યનું કારણ આપતાં એજન્સીએ કોર્ટને બાંહેધરી આપી હતી કે તેઓ રાઉતને બારીવાળા રૂમ આપશે.ઇડીએ જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ કંપની તરફથી પ્રવીણ રાઉતને મળેલી 112 કરોડની રકમમાંથી સંજય રાઉત અને તેમના પરિવારને 1.06 કરોડ જેટલી રકમ મળી હતી.જેમાંથી સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને 13.94 લાખ રૂપિયા અવની ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીમાં પાંચ હજારના રોકાણના વળતર તરીકે પ્રાપ્ત થયા હતા,જે પ્રવીણ રાઉતની પત્ની માધુરીના નામ પર રજીસ્ટર થયેલી એક ફર્મ હતી.

સંજય રાઉત વિરુદ્ધ આ કાર્યવાહી હજારો કરોડના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં કરવામાં આવી રહી છે.રવિવારે વહેલી સવારે ઇડીના અધિકારીઓ રાઉતના ઘરે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.ઇડીના અધિકારીઓએ લગભગ 9 કલાક સુધી સંજય રાઉતની પૂછપરછ કરી હતી તેમજ દસ્તાવેજો તપાસ્યા હતા.જોકે, તેમણે પૂછપરછમાં સહયોગ ન કરતાં રાઉતની અટકાયત કરી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસ મામલે 2018માં કેસ નોંધાયો હતો.આ મામલે સંજય રાઉતના મિત્ર પ્રવીણ રાઉત અને અન્ય કેટલાક લોકો પર હજારો કરોડ રૂપિયાની હેરફેર કરવાનો આરોપ લાગ્યો છે.આ મામલે તપાસનો રેલો સંજય રાઉત સુધી પહોંચતા ઇડીએ ગત મહીને તેમને સમન્સ પાઠવ્યા હતા.પરંતુ સતત બે સમન્સ બાદ પણ રાઉત હાજર ન રહેતાં ઇડીએ તેમના ઘરે જ દરોડા પાડ્યા હતા.

Share Now