મોદી-શાહે PoK જવું જોઈએ અને શિંદે સહિતની ટોળકીને પણ લઈ જવી જોઈએ : શિવસેના

138

– ‘મોદી રાજમાં એક મહિલા નેતા અલગાવવાદનો ઝંડો ફરકાવે છે અને તેમ છતાં મોદી-શાહ શા માટે ચૂપ છે?’

મુંબઈ, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવાર : શિવસેનાએ ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા સીમા વિવાદ મુદ્દે અને કાશ્મીરમાં વ્યાપેલા તણાવ મામલે પોતાના મુખપત્ર ‘સામના’ દ્વારા મોદી સરકારની ભારે ટીકા કરી છે.સામનામાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત બળવાખોર ટોળકીને પણ ટાર્ગેટ કરવામાં આવી છે.શિવસેનાના કહેવા પ્રમાણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આપણાં કાશ્મીર એટલે કે, પીઓકેમાં પગ મુકવો જોઈએ.

કાશ્મીમાં મેહબૂબા મુફ્તી ભાજપને ચલાવે છેઃ શિવસેના

શિવસેના દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, આજે પણ મેહબૂબા મુફ્તી ભાજપને ચલાવે છે પરંતુ હિંદુત્વવાદી-રાષ્ટ્રવાદી શિવસેના ખતમ થઈ જાય તેવો તેમનો પ્રયત્ન છે.કાશ્મીરમાં પણ અલગાવવાદીઓને બળ આપવામાં આવી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં પણ અલગાવવાદીઓને વધુ પાવર આપવામાં આવી રહ્યો છે, તે પણ હિંદુત્વના નામે.આનાથી મોટો ઢોંગ શું હોઈ શકે?

મોદી-શાહ અલગાવવાદ મુદ્દે મૌન શા માટે?

સામનાના તંત્રી લેખમાં લખ્યું છે કે, મોદી રાજમાં એક મહિલા નેતા અલગાવવાદનો ઝંડો ફરકાવે છે અને તેમ છતાં મોદી-શાહ શા માટે ચૂપ છે? શું કાયદો ફક્ત રાજકીય વિરોધીઓની શ્વાસનળી બંધ કરવા જ છે? એક દેશ, એક બંધારણ,એક નિશાન તે આઝાદીના અમૃત મહોત્સવનો મંત્ર હોવો જોઈએ.કાશ્મીરમાં તેને નિષ્ફળ બનાવવા પ્રયત્ન કરાયો.

પીડીપી અધ્યક્ષ અને આઝાદ કાશ્મીરના સમર્થક મેહબૂબા મુફ્તીએ સીધી રીતે ભારતના સાર્વભૌમત્વને પડકાર ફેંક્યો.મુફ્તીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કાશ્મીરનો ઝંડો ફરકાવ્યો.કાશ્મીરમાં 370 નાબૂદી સાથે જ અલગ ધ્વજ પણ રદ થયો હતો. મોદી-શાહે કાશ્મીર સંપૂર્ણપણે ભારતનું અવિભાજ્ય અંગ છે તેવી જાહેરાત સાથે ઉજણવી કરી.વાસ્તવિકતા એ છે કે, કાશ્મીરી પંડિતોની અવસ્થા કે અલગાવવાદીઓનો દુર્ભાગ્યપૂર્ણ ખેલ, કશું જ નથી બદલાયું. અલગાવવાદી સંગઠનોનો ઝેરી નાગ ફુંફાડા મારી રહ્યો છે.

Share Now