DHFL કેસ : EDએ બિલ્ડર્સની રૂ.415 કરોડની મિલકત ટાંચમાં લીધી

142

– બેન્ક ફ્રોડ કેસમાં જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઇ,પુણે,નાગપુર અને બેંગલુરુ ખાતેની જમીનનો સમાવેશ

નવી દિલ્હી : યસ બેન્ક સાથે ડીએફએફએલના બેન્ક લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ મહારાષ્ટ્રના બિલ્ડર્સ અવિનાશ ભોસલે અને સંજય છાબરિયાની ~૪૧૫ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. EDએ બુધવારે જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જૂનમાં બંને બિલ્ડર્સની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે પણ તે જેલમાં છે. ઇડી દ્વારા મંગળવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્તીનો આદેશ જારી કર્યો હતો.જેમાં ભોસલેની ૧૬૪ કરોડ અને છાબરિયાની ૨૫૧ કરોડની એસેટ્સને ટાંચમાં લેવા નિર્દેશ અપાયો હતો.છાબરિયાની ટાંચમાં લેવાયેલી એસેટ્સ જમીન સ્વરૂપે છે.

મુંબઇના સાંતાક્રૂઝ ખાતેની જમીનનું મૂલ્ય ૧૧૬.૫ કરોડ છે. જ્યારે છાબરિયાની કંપની બેંગલુરુ ખાતેની એક જમીનનો ૨૫ ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે.જેની કિંમત ~૧૧૫ કરોડ છે.ઉપરાંત,મુંબઇના સાંતાક્રૂઝ ખાતેના ફ્લેટનું મૂલ્ય ~૩ કરોડ છે. છાબરિયાની દિલ્હી એરપોર્ટ પરની હોટેલમાંથી ૧૩.૬૭ કરોડ નફો થયો છે.ઉપરાંત, ૩.૧૦ કરોડની ત્રણ હાઇ-એન્ડ લક્ઝરી કાર પણ ટાંચમાં લેવાઈ છે.

પુણેના બિઝનેસમેન અવિનાશ ભોસલેની પ્રોપર્ટી પણ ટાંચમાં લેવામાં આવી છે.જેમાં મુંબઇના ૧૦૨.૮ કરોડના ડુપ્લેક્સ ફ્લેટ, પુણેની ૧૪.૬૫ કરોડ અને ૨૯.૨૪ કરોડની જમીન,નાગપુર ખાતેની ૧૫.૫૨ કરોડ અને ૧.૪૫ કરોડની જમીનનો સમાવેશ થાય છે.ઇડી અને સીબીઆઇ કેસની તપાસ કરી રહ્યા છે.બંને એજન્સીએ આ બે બિલ્ડર્સ,યસ બેન્કના સહસ્થાપક રાણા કપૂર તેમજ ડીએચએફએલના પ્રમોટર-ડિરેક્ટર્સ કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સામે સ્વતંત્ર ફરિયાદોમાં ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇડી દ્વારા માર્ચમાં કપૂર અને મે મહિનામાં વાધવાન ધરપકડ કરાઈ હતી.ઇડીએ આરોપ મૂક્યો હતો કે, રાણા કપૂરે યસ બેન્ક દ્વારા ડીએચએફએલના ટૂંકા ગાળાના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં ૩,૭૦૦ કરોડ અને ડીએચએફએલના મસાલા બોન્ડ્સમાં ૨૮૩ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.

Share Now