અમદાવાદ : શિવમંદિર સામે ગૌમાંસના ટુકડા મળી આવવાના મામલે મોહમ્મદ ફૈઝાન શેખની ધરપકડ

214

– ગૌમાંસ મળી આવવા મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લીધી હતી

અમદાવાદ : શુક્રવારે (5 ઓગસ્ટ 2022) અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા શિવમંદિર નજીકથી ગૌમાંસ મળી આવતાં સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે બાદ અમદાવાદ પોલીસે આ મામલે તપાસ કરી 25 વર્ષીય મોહમ્મદ ફૈઝાન શેખની ધરપકડ કરી લીધી હતી અને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.ગૌમાંસના અવશેષ મળી આવતાં જ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને શ્રાવણ માસ ચાલતો હોઈ મંદિરમાં લોકોની ભીડ પણ વધુ હતી.સમાચાર પ્રસારિત થયા બાદ લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં તો પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ હતી અને લોકોએ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જે બાદ એક નાગરિકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ટોળામાં હાજર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે કેસરી રંગના એક્ટિવ ઉપર એક કાળા કલરની ટી-શર્ટ અને વાદળી જીન્સ પહેરેલો એક વ્યક્તિ એક્ટિવમાં આગળ પશુમાંસનો જથ્થો લઈને પૂરઝડપે જતો હતો અને જેના એક્ટિવમાંથી પશુમાંસ રોડ પર ફેંકી ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું.ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી તેના આધારે અમદાવાદના વટવામાં રહેતા મોહમ્મદ ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી. તદુપરાંત પોલીસે માંસના સેમ્પલ તપાસ માટે એફએસએલ ખાતે મોકલી આપ્યાં હતાં.હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપી મોહમ્મદ શેખે તેનું મોપેડ સ્લીપ થઇ જતાં માંસ રોડ પર પડી ગયું હોવાનો દાવો કર્યો છે.રિપોર્ટ અનુસાર તે જમાલપુરથી મટન લાવીને વટવામાં વેચે છે.તેથી શુક્રવારે કોથળામાં મટન લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે આ જગ્યાએ તેનું મોપેડ એક્ટિવા સ્લીપ થઇ જતાં માંસ રોડ પર પડી ગયું હોવાનો તેણે દાવો કર્યો છે.તેણે કહ્યું કે, તે ભેગું કરી રહ્યો હતો ત્યારે લોકો નજીક આવતાં ભાગ્યો હતો,જેના કારણે બીજી વખત માંસના અવશેષો પડ્યા હતા.નોંધનીય છે કે આ ટુકડા ઇસનપુરના શિવમંદિરની સામેથી મળી આવ્યા હતા.

શ્રાવણ માસમાં મંદિર સામેથી ગૌમાંસ મળી આવતાં સ્થાનિક હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.તેમજ અમદાવાદ ઇસનપુર સહિતના સમગ્ર વિસ્તારમાં ખબર ફેલાઈ જતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં સંગઠનોના કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા અને આમ કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.તેમજ હિંદુ સંગઠનોએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે 24 કલાકમાં આરોપીઓને પકડી પાડવામાં ન આવે તો સ્થાનિક હિંદુઓ ઉગ્ર આંદોલન કરશે.ઉપરાંત સંગઠનોએ વિસ્તારમાં બંધનું પણ એલાન કર્યું હતું.

Share Now