દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંકે ફરી લોનના રેટ વધાર્યા : વ્યાજદર વધારાની હેટ્રિક

127

અમદાવાદ,તા.08 ઓગષ્ટ 2022,સોમવાર : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગત સપ્તાહે વ્યાજદર વધારાની હેટ્રિક લગાવ્યા બાદ અનેક બેંકોએ તાત્કાલિક જ લોનના રેટ વધાર્યા છે.દેશની સૌથી મોટી ખાનગી બેંકે પણ આરબીઆઈના વ્યાજદર વધારાની હેટ્રિક સાથે તમામ લોન પર વ્યાજદર વધાર્યા છે.દેશની નંબર વન ખાનગી બેંક HDFC બેંકે લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર બેંકે લોન પર 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.

HDFC બેંકે તમામ લોનની મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં 5-10 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કર્યો છે.આ વધારો આજથી એટલે કે 8 ઓગસ્ટ, 2022થી તાત્કાલિક અસરથી લાગુ થશે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત બાદ તમામ બેંકો વ્યાજદર વધારી રહી.ઓગસ્ટમાં મળેલી RBIની MPCની બેઠકમાં મોંઘવારી પર અંકુશ લાવવાના હેતુથી વ્યાજદર વધારાની સાથે મોનિટરી પોલિસીના સ્ટેન્ડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.

રેટ હાઈકની હેટ્રિક :

સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવાર, 5 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના નિર્ણયો જાહેર કરતા કહ્યું કે આરબીઆઈએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.આ વધારા બાદ રેપો રેટ વધીને 5.40 ટકા થયો છે. આરબીઆઈએ આ વર્ષે સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો છે.

RBIએ અગાઉ મે 2022માં રેપો રેટમાં આકસ્મિક 0.50 ટકાનો વધારો કર્યો હતો,જ્યારે જૂન 2022ની MPC બેઠકમાં 0.40 ટકાનો વધારો કરતા મે મહિનાથી રેપો રેટમાં કુલ 1.40 ટકાનો વધારો થયો છે અને રેપો રેટ છેલ્લા અઢી વર્ષમાં સૌથી વધુ થયો છે.આ વધારા સાથે તમારી હોમ લોન,કાર લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે.

Share Now