વડોદરા : પીસીબીના એક ચર્ચાસ્પદ કેસ અંગે પોલીસ દ્વારા કોઇ પણ ગુનો દાખલ કર્યા વિના પોલીસ સ્ટાફના કેટલાક જવાનો અને એક સાપ્તાહિકના પત્રકારના સીડીઆર મંગાવવામાં આવ્યા હતા.આ કૃત્ય ગેરકાયદે અને પોતાની પ્રાઇવસીનો ભંગ કરનાર હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ સ્ટેટ પોલીસ કમ્પલેન ઓથોરિટી,પોલીસ કમિશનર તથા ડીસીપી ક્રાઇમને કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા પોતાને મળેલી સત્તાનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવતી હોવાનો આ કિસ્સા અંગે માનવ અધિકાર આયોગને પણ જાણ કરાઇ છે.
શહેર નજીકના અનગઢ રોડ રામપુરામાં રહેતા ગૌરાંગ મકવાણાએ સ્ટેટ પોલીસ કમ્પલેન ઓથોરિટીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,હું એક અખબારમાં રિપોર્ટર તરીકે કામ કરૃં છું.ગત તા.૨૯મી એપ્રિલે મને મળેલી એક માહિતીના આધારે પીસીબી પોલીસનો વહીવટદાર કોણ ? તે સમાચાર મેં ન્યૂઝ પોર્ટલ પર લખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત તા.૧૮ મી જુલાઇએ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર,ગુજરાત રાજ્યને ઉદ્દેશીને પોલીસ કોન્સ્ટેબલ ગવરાજસિંહની અરજી અમારા ધ્યાન પર આવી હતી.તે અરજીની વિગત એવી છે કે,કોન્સ્ટેબલ ગવરાજસિંહને ગત તા.૧૦ મી જૂને પીસીબી પી.આઇ.એ ઇન્કવાયરીના કામે નિવેદન લેવા બોલાવ્યો હતો.અને ત્યાં તેઓએ નિવેદન લખાવ્યું હતું.પી.આઇ.એ સીડીઆરની ફાઇલ જોઇ જણાવ્યું હતું કે,તમે ગૌરાંગભાઇ સાથે વાત કરો છો.અને તમારૃં લોકેશન પણ સાથે હોય છે.અને ગવરાજસિંહને કોલ ડિટેલ્સ તથા લોકેશનની વિગતો બતાવી હતી.
પોલીસ કોન્સ્ટેબલ ગવરાજસિંહે એવો જવાબ આપ્યો હતો કે,ગૌરાંગ સાથે મારે પારિવારિક સંબંધો છે.ઇન્કવાયરીમાં ગવરાજસિંહને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે,તમે અને ગૌરાંગ દમણ કેમ ગયા હતા ?ત્યારે ગવરાજસિંહે એવો જવાબ આપ્યો હતો કે,અમારે કૌટુંબિક સંબંધો છે.મારી સામે કોઇ સજા કે ઇન્કવાયરી થઇ નથી.આ ઇન્કવાયરી પછી પોલીસ કોન્સ્ટેબલ ગવરાજસિંહની બદલી જૂનાગઢ કરી દેવામાં આવી હતી.વધુમાં ગૌરાંગે એવી પણ દહેશત વ્યક્ત કરી છે કે,મારા દ્વારા કોઇ રજૂઆત કે ફરિયાદ કરવામાં આવશે તો પીસીબી દ્વારા મને ખોટા કેસમાં ફસાવી દેવાની અંગત સૂત્રો તરફથી મને માહિતી મળી છે.
ગૌરાંગે જણાવ્યું છે કે, પોલીસ મહા નિર્દેશકને થયેલી અરજીની વિગતો જોતા મારી કોલ ડિટેલ્સ અને લોકેશનની વિગતો પોલીસે મેળવી હોવાનું ફલિત થાય છે.મારા વિરૃદ્ધ કોઇ ગુનો દાખલ થયો નથી.કોઇ અરજીના કામે પણ નિવેદન લેવા બોલાવ્યા નથી.તેમ છતાંય મને અને મારા મિત્રો,પરિવારના સભ્યોના મોબાઈલ નંબર મેળવી મારા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યુ છે.મારા કોલ ડિટેલ્સ અને લોકેશનની માહિતી ખોટી રીતે મેળવી હોવાથી મારી આ રજૂઆત અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી છે.