નવી દિલ્હી,તા.10 ઓગસ્ટ 2022,બુધવાર : ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ભાજપના યુવા મોરચાના કાર્યકરોએ સિક્યુરિટી સાથે મારામારી કરતા હંગામો મચી ગયો હતો.આજે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ઉજ્જૈનની મુલાકાતે છે.તેઓ આજે મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
આ દરમિયાન તેમની સાથેના યુવા મોરચાના કાર્યકરો અને સિક્યુરિટીના જવાનો વચ્ચે મારામારી થઈ હતી.જોકે હાલમાં તો આ મામલે બંને પક્ષ કશું બોલવા માટે તૈયાર નથી પણ એવુ જાણવા મળ્યુ છે કે, તેજસ્વી સૂર્યા દર્શન કરવા માટે મંદિરના ગર્ભગૃહ પાસે ગયા ત્યારે તેમની સાથે કેટલાક નેતાઓ પણ અંદર ગયા હતા.બાકીના કાર્યકરોને સુરક્ષા કર્મીઓએ મંદિરના નંદી હોલ સુધી જતા રોક્યા હતા. જેનાથી નારાજ કાર્યકરોએ હંગામો કર્યો હતો અને બેરિકેડ હટાવીને અંદર પ્રવેશ કર્યો હતો. એવુ કહેવાય છે કે, આ દરમિયાન સુરક્ષા કર્મીઓ સાથે મારામારી પણ થઈ હતી.કેટલાક સુરક્ષા કર્મીઓએ આ હંગામાનો વિડિયો બનાવ્યો હતો.જેમાં ભાજપના કાર્યકરો બળજબરથી મંદિરમાં ઘુસવાની કોશીશ કરતા નજરે પડે છે. હંગામાનો વિડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.