– આ બેઠકમાં કોંગ્રેસના માજી પ્રમુખ અને સહકારી અગ્રણી મોહન ભાટિયા તેમના સમર્થકો સાથે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા
બારડોલી : સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મંગળવારના રોજ બારડોલીના સરદાર પટેલ ટાઉન હૉલ ખાતે પ્રમુખ સંદીપ દેસાઇના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં રાજ્યના કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંદીપ દેસાઇએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની તમામ 7 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત કરવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી હતી.આ માટે બૂથ લેવલથી એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સુરત જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર તિરંગા અને ૧૪ ઓગસ્ટ વિભાજન વિભીશિકા દિવસની ઉજવણી બાબતે કારોબારી બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કોંગ્રેસના માજી પ્રમુખ અને સહકારી અગ્રણી મોહન ભાટિયા તેમના સમર્થકો સાથે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.જિલ્લા કારોબારી બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમનું આયોજન થયું છે.કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના ધારાસભ્યોને પક્ષની બાકી રહેલ કામગીરી વહેલી પુરી કરવા અંગે પણ ટકોર કરવામાં આવી હતી.જિલ્લા કારોબારીમાં પક્ષ પલટાનો દોર પણ જોવા મળ્યો હતો.જેમાં સુરત જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ,પીઢ સહકારી આગેવાન અને એ.પી.એમ.સી.ના ડિરેકટર મોહન ભાટિયા આજે વિધિવત ભાજપમાં જોડાયા હતા.મોહન ભાટિયા સાથે ચોર્યાસી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્કેશભાઈ પટેલ સહિત 150થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.કારોબારીમાં તમામને આવકારી ભાજપમાં ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.
આગામી 14મીના રોજ જિલ્લા ભાજપ દ્વારા આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 બળદ ગાડા સાથે તિરંગા યાત્રા પણ કાઢવાનું આયોજનની જાહેરાત કરી હતી.સાથે જ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમમાં સી.આર.પાટીલને બહેનોએ કરેલ રજુઆત પગલે ભજન મંડળીને પણ જરૂરી સાધનોનું કારોબારીમાં વિતરણ કરવમાં આવ્યું હતું.