કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ગયેલા બે પાકિસ્તાની ખેલાડીઓ હોટેલમાં સામાન મૂકીને ગાયબ થઇ ગયા!

174

– આ પહેલાં પાકિસ્તાનનો એક સ્વિમર ફૈઝાન અકબર પણ આ જ વર્ષે જૂનમાં હંગેરી પહોંચ્યા બાદ લાપતા થઇ ગયો હતો

હાલમાં જ ઇંગ્લેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાનના બે બોક્સર ગુમ થઇ ગયા છે.પાકિસ્તાનના બોક્સિંગ ફેડરેશન દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.પાકિસ્તાનની ટીમ બર્મિઘમથી ઇસ્લામાબાદ પરત ફરવા માટે નીકળવાની હતી તે પહેલાં જ આ બંને બોક્સર ગુમ થઇ ગયા હતા.હાલ તેમને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશનના સેક્રેટરી નાસિર તંગ દ્વારા પાકિસ્તાનના બે બોક્સર ગુમ થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.તેમણે જણાવ્યું કે, સુલેમાન બલોચ અને નાઝીરઉલ્લાહ લાપતા છે.તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ હાલ ફેડરેશનના અધિકારીઓ પાસે છે,જેઓ પણ બોક્સિંગ ટીમ સાથે બર્મિંઘમ ગયા હતા.તેમણે જણાવ્યું કે, ટીમ મેનેજમેન્ટ દ્વારા આ મામલે યુકે સ્થિત પાકિસ્તાન હાઈકમિશન તેમજ લંડનના સબંધિત અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, સવારે 11:45 વાગ્યે ટીમની એક બસ બર્મિંઘમથી લંડન એરપોર્ટ જવા માટે રવાના થનાર હતી.જે બાદ ખેલાડીઓ રાત્રે 9:55ની ફ્લાઇટમાં ઇસ્લામાબાદ પરત ફરવાના હતા.આ બંને બોક્સર સવારે 10 વાગ્યે નાસ્તો કરવા સમયે દેખાય હતા પરંતુ ત્યારપછી ગાયબ થઇ ગયા હતા. જે બાદ બંનેના રૂમ ચેક કરતાં ત્યાં સમાન તો જોવા મળ્યો હતો પરંતુ ખેલાડીઓ ગાયબ હતા.ફેડરેશને જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ગયેલા ખેલાડીઓના ટ્રાવેલ ડોક્યુમેન્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર હેઠળ રાખવામાં આવ્યા હતા.બીજી તરફ ખોવાયેલા ખેલાડીઓની તપાસ કરવા માટે પાકિસ્તાન ઓલમ્પિક એસોશિએશન દ્વારા એક ચાર સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે.

કોમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાન બોક્સિંગમાં એકેય મેડલ જીતી શક્યું ન હતું.હેવીવેટ બોક્સર નઝીરને 16મા રાઉન્ડમાં નોકઆઉટ કરવામાં આવ્યો હતો.જ્યારે સુલેમાન બ્લોચ 32મા રાઉન્ડમાં લાઈટ વેલ્ટરવેટ વર્ગમાં હારી ગયો હતો.કોમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાન તરફથી પાંચ બોક્સર અને ચાર અધિકારીઓ ગયા હતા.આ પહેલાં પાકિસ્તાનનો એક સ્વિમર ફૈઝાન અકબર પણ આ જ વર્ષે જૂનમાં હંગેરી પહોંચ્યા બાદ લાપતા થઇ ગયો હતો. 22 વર્ષીય ફૈઝાન અકબર 4 વખતનો નેશનલ ગોલ્ડ મેડલ વિજેતા રહ્યો છે.તે જૂનમાં હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ફિના વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગયો હતો.પરંતુ ત્યાં જઈને રૂમમેટને કહ્યા વગર જ હોટેલમાંથી નીકળી ગયો હતો જે પછી ક્યારેય પરત ફર્યો નથી.

અકબરે ચેમ્પિયનશિપમાં ભાગ પણ લીધો ન હતો અને પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજ લઈને બુડાપેસ્ટથી ગાયબ થઇ ગયો હતો.હવે પાકિસ્તાનના અન્ય બે ખેલાડીઓ આ જ રીતે ગાયબ થઇ ગયા છે.

Share Now