ઇસ્લામિક જેહાદ અને હમાસ વચ્ચે ગાઝાની સત્તા માટે હરીફાઈ : જાણો ઇઝરાયેલ-પેલેસ્ટિન સંઘર્ષની વર્તમાન સ્થિતિ

158

‘ઇસ્લામિક જેહાદ’ એ ગાઝા પટ્ટીમાં બે મુખ્ય પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથોમાંથી નાનું છે.સત્તાધારી હમાસ જૂથમાં તેના કરતા ઘણી મોટી સંખ્યામાં આતંકવાદીઓ છે.પરંતુ ઇસ્લામિક જેહાદને ઈરાન તરફથી સીધું નાણાકીય અને લશ્કરી પીઠબળ મળે છે અને તે ઈઝરાયેલ સાથે રોકેટ હુમલા અને અન્ય મુકાબલામાં સામેલ થવાનું પ્રેરક બળ બની ગયું છે.ગયા વર્ષે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના 11 દિવસના યુદ્ધ પછી સીમા પાર હિંસાના સૌથી ખરાબ ઘટનાક્રમમાં શુક્રવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલની સેના અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરુ થયો હતો.ઈઝરાયેલે અનેક ઘાતક હવાઈ હુમલાઓ (એર સ્ટ્રાઇક) કર્યા છે જેમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ જૂથના વરિષ્ઠ કમાન્ડરની લક્ષ્યાંકિત હત્યા કરાઈ છે.

ઇઝરાયેલના હવાઇ હુમલા (એર સ્ટ્રાઇક)માં 15 લોકો માર્યા ગયા છે,જેમાં પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ નામના ઈરાન સમર્થિત આતંકવાદી જૂથનો વરિષ્ઠ કમાન્ડર પણ લક્ષ્યાંકિત હુમલામાં માર્યો ગયો હતો.

આ પહેલા આતંકવાદીઓએ ઇઝરાયેલના શહેરો અને નગરો પર કેટલાય રોકેટ છોડ્યા હતા અને હજારો ઇઝરાયેલી નાગરિકોનું જીવન સંકટમાં નાખ્યું હતું.આ વચ્ચે એ નોંધવાપાત્ર છે કે હાલમાં ગાઝા પટ્ટીનો વિસ્તાર જેના તાબા હેઠળ છે તે આતંકવાદી ગ્રુપ હમાસે કથિત રીતે ગયા વર્ષના યુદ્ધ બાદ હજુ યુદ્ધ વિરામ જાળવી રાખ્યો છે.

હમાસની આડમાં પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ દ્વારા હુમલાઓ

ઇસ્લામિક જેહાદએ ગાઝા પટ્ટીમાં બે મુખ્ય પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથોમાંથી નાનું છે.સત્તાધારી હમાસ જૂથમાં તેના કરતા ઘણી મોટી સંખ્યામાં આતંકવાદીઓ છે.પરંતુ ઇસ્લામિક જેહાદને ઈરાન તરફથી સીધું નાણાકીય અને લશ્કરી પીઠબળ મળે છે અને તે ઈઝરાયેલ સાથે રોકેટ હુમલા અને અન્ય મુકાબલામાં સામેલ થવાનું પ્રેરક બળ બની ગયું છે.હમાસ જૂથે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પેલેસ્ટિનિયન ઓથોરિટી પાસેથી 2007 માં ગાઝા પર નિયંત્રણ મેળવ્યું હતું.હમાસને ઘણી વાર પોતાનું જેહાદ કરવાનું મૂળ કામ તકલીફ પડતી હોય છે કારણ કે તે ગરીબ પ્રદેશના રોજિંદા બાબતોને ચલાવવાની જવાબદારી ધરાવે છે.ઇસ્લામિક જેહાદની આવી કોઈ ફરજો નથી અને તે વધુ સક્રિય આતંકવાદી જૂથ તરીકે ઉભરી આવ્યું છે,ક્યારેક ક્યારેક તે હમાસની સત્તાને પણ નબળી પાડે છે.આ પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ જૂથની સ્થાપના 1981 માં પશ્ચિમ કાંઠે,ગાઝા અને હવે ઇઝરાયેલમાં ઇસ્લામિક પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપનાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ,યુરોપિયન યુનિયન અને અન્ય સરકારો દ્વારા તેને આતંકવાદી સંગઠન તરીકે ઓળખાવવામાં આવ્યું છે.હમાસની જેમ ઇસ્લામિક જેહાદ ઇઝરાયલના વિનાશના માટે જ કામ કરી રહ્યું છે તેવું તેમનું કહેવું છે.

ઇસ્લામિક જેહાદ અને તેનું પીઠબળ ઈરાન

ઇઝરાયેલનું અતિ જુનું અને કટ્ટર વિરોધી ઇરાન ઇસ્લામિક જેહાદને તાલીમ,કુશળતા અને નાણાં પૂરા પાડે છે પરંતુ આ જૂથના મોટાભાગના શસ્ત્રો સ્થાનિક રીતે બનાવવામાં આવે છે.તાજેતરના વર્ષોમાં તેણે હમાસની જેટલો જ શસ્ત્રાગાર વિકસાવ્યો છે, જેમાં લાંબા અંતરના રોકેટ મધ્ય ઇઝરાયેલના તેલ અવીવ મેટ્રોપોલિટન વિસ્તાર પર પ્રહાર કરવામાં સક્ષમ છે.ગત શુક્રવારે તેલ અવીવની દક્ષિણે ઉપનગરોમાં હવાઈ હુમલાના સાયરન્સ વાગી ગયા હતા.જોકે કોઈ રોકેટ આ વિસ્તારમાં ત્રાટક્યા હોવાના સમાચાર મળ્યા નહોતા.

નોંધનીય છે કે પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ જૂથ મુખ્યત્વે ગાઝા પૂરતું કેન્દ્રિત છે પરંતુ તે બેરૂત અને દમાસ્કસમાં પણ નેતૃત્વ ધરાવે છે,જ્યાં તે ઈરાની અધિકારીઓ સાથે ગાઢ સંબંધો જાળવી રાખે છે.ઇઝરાયેલે શુક્રવારે ગાઝામાં તેની કામગીરી શરૂ કરી ત્યારે આ જૂથના ટોચના નેતા ઝિયાદ અલ-નખાલાહ તેહરાનમાં ઈરાની અધિકારીઓને મળ્યા હતા.

આતંકવાદી સંગઠનોના કમાન્ડરો ઇઝરાયેલી સેનાના નિશાન પર

આ પહેલીવાર નથી જ્યારે ઇઝરાયલે ગાઝામાં ઇસ્લામિક જેહાદના નેતાઓની હત્યા કરી હોય.શુક્રવારે તેણે મારેલ કમાન્ડર,તૈસીર અલ-જબારીએ બહા અબુ અલ-અત્તાનું સ્થાન લીધું હતું જેને 2019ના હુમલાઓમાં ઇઝરાયેલ દ્વારા મારી કાઢવામાં આવ્યો હતો.જે ગાઝા પટ્ટીમાં 2014ના યુદ્ધ પછી ઈઝરાયેલ દ્વારા ઈસ્લામિક જેહાદની કોઈ વ્યક્તિની પ્રથમ હાઈ-પ્રોફાઈલ હત્યા હતી.

અલ-જબારી, ઉંમર વર્ષ 50, ઇસ્લામિક જેહાદની “લશ્કરી પરિષદ”, ગાઝામાં જૂથની નિર્ણય લેતી સંસ્થાનો સભ્ય હતો.તે 2021ના યુદ્ધ દરમિયાન ગાઝા શહેર અને ઉત્તરી ગાઝા પટ્ટીમાં ઈસ્લામિક જેહાદની આતંકવાદી પ્રવૃત્તિઓનો હવાલો સંભાળતો હતો. ઈઝરાયેલે કહ્યું કે તે ઈઝરાયેલ સામે ટેન્ક વિરોધી મિસાઈલ દ્વારા હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે.તેનું મૃત્યુ આ અઠવાડિયાની શરૂઆતમાં પશ્ચિમ કાંઠે એક વરિષ્ઠ ઇસ્લામિક જેહાદ કમાન્ડરની ઇઝરાયેલ દ્વારા કરાયેલ ધરપકડ બાદ નિશ્ચિત બન્યું હતું. બસમ અલ-સાદી, ઉંમર વર્ષ 62, ઉત્તરી પશ્ચિમ કાંઠે ઇસ્લામિક જેહાદનો વરિષ્ઠ અધિકારી હતો.ઇઝરાયલી મીડિયાના જણાવ્યા અનુસાર અલ-સાદી પશ્ચિમ કાંઠે જૂથની પહોંચ વધારવા અને તેની ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે કામ કરી રહ્યો હતો.અલ-સાદીએ સક્રિય ઇસ્લામિક જેહાદ સભ્ય હોવાના કારણે ઇઝરાયેલની જેલમાં કુલ 15 વર્ષ વિતાવ્યા હતા.ઇઝરાયેલે 2002માં અલગ-અલગ ઘટનાઓમાં તેના બે પુત્રો કે જેઓ ઇસ્લામિક જિહાદના આતંકવાદી પણ હતા,માર્યા હતા અને તે જ વર્ષે જેનિનના પશ્ચિમ કાંઠાના શહેરમાં ભીષણ યુદ્ધ દરમિયાન તેના ઘરનો નાશ કર્યો હતો.

ઇઝરાયેલી સૈન્યના હવાઈ સંરક્ષણ દળના ભૂતપૂર્વ વડા, ઝ્વિકા હૈમોવિચે કહ્યું, “એકવાર તમે કમાન્ડરોને મારશો તે તરત જ તમામ સંસ્થાને અસર કરશે.તે તરત જ જેહાદમાં એક મોટી ગડબડ ઉભી કરે છે.”

હમાસની સત્તા માટે ઇસ્લામિક જેહાદ ખતરો

2007 માં સત્તા કબજે કર્યા પછી હમણાં સુધી હમાસે ઇઝરાયેલ સાથે ચાર યુદ્ધો લડ્યા છે. જેમાં ઘણીવાર ઇસ્લામિક જેહાદના લડવૈયાઓનું પણ સમર્થન હતું.આ વર્ષની શરૂઆતમાં નાનકડા બનાવો સિવાય,ગયા વર્ષના 11-દિવસીય યુદ્ધ બાદ સરહદ મોટાભાગે શાંત રહી છે.હમાસ હાલમાં આ તમામ હુમલાઓથી અંતર રાખી રહ્યું છે, જે તેને સર્વત્ર યુદ્ધમાં ફેલાવાથી અટકાવી શકે છે.

ઇસ્લામિક જેહાદના આતંકવાદીઓએ ઘણી વખત પેલેસ્ટિનિયનો વચ્ચે પોતાની પહોંચ વધારવા માટે જવાબદારી સ્વીકાર્યા વિના,રોકેટ હુમલાઓ કરીને હમાસને પડકાર ફેંક્યા છે.પરંતુ હમણાં સુધી હમાસે યુદ્ધવિરામ જાળવી રાખ્યો છે.સામ પક્ષે ગાઝા તરફથી આવતા તમામ રોકેટ હુમલા માટે ઈઝરાયેલ હમાસને જ જવાબદાર માને છે.હમાસની સ્થિતિ હાલ સૂળી વચ્ચે સોપારી જેવી છે.એક બાજુ તેને ઇસ્લામિક જેહાદને કાબુમાં રાખવા પ્રયત્ન કરવાનો છે જેથી તેઓ ઇઝરાયેલ પર હુમલા અટકાવે પણ બીજું બાજુ તેને એ પણ ધ્યાન રાખવાનું છે કે આવું કરવામાં પેલેસ્ટિનના નાગરિકોના મનમાં તે અણખામણું ન થાય.હમેશની જેમ આ વખતે પણ શરૂ થયેલ હુમલાઓ કેટલા લાંબા ચાલશે અને કયા સ્તર સુધીના થશે તે સંપૂર્ણ રીતે હમાસ પર આધાર રાખે છે.

નોંધનીય છે કે ભલે હુમલાઓ હમાસ કરે કે પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ કરે,ઇઝરાયેલ હંમેશની જેમ પોતાના નાગરિકોની સુરક્ષા માટે તેનો યથાયોગ્ય જવાબ આપી રહ્યું છે અને આગળ પણ આપતું રહેશે.

Share Now