આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ : જાણીએ શા માટે મનાવવામાં આવે છે, શું છે મહત્વ

133

– ગત વર્ષે PM નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી

આવતીકાલે દેશ 75મો સ્વાતાંત્ર્ય દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે.તે પહેલાં આજે ભારત-પાકિસ્તાનના વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે.ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલાન કરતા કહ્યું હતું કે, દેશના વિભાજનની પીડા ક્યારેય ભુલાવી શકાય તેમ નથી.નફરત અને હિંસાના કારણે આપણા લાખો નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા.વડાપ્રધાને આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ દિવસ ભેદભાવ,વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરશે અને તેનાથી એકતા,સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદના પણ મજબૂત થશે.

આજે દેશ ભાગલા વખતે જીવ ગુમાવેલા લાખો નિર્દોષોને યાદ કરી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને ભાગલા વખતે જીવ ગુમાવનારા લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો યુપી સીએમ યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, વિધ્વંસક મજહબી માનસિકતાના કારણે થયેલા દુઃખદ વિભાજન દરમિયાન લાખો નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા અને અમાનવીય પીડા સહન કરવી પડી હતી.તેમણે આ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી ભારતનું રાજ્પત્ર પણ જારી કરવામાં આવ્યું છે.ગત વર્ષે 14 ઓગસ્ટ 2021ના રોજ વડાપ્રધાનના એલાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક ગેઝેટ જારી કર્યું હતું,જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર ભારતની વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને વિભાજન દરમિયાન લોકોએ સહેલી યાતના અને વેદનાનું સ્મરણ કરાવવા માટે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઘોષિત કરે છે.

14 ઓગસ્ટ 1947નો દિવસ એ દિવસ હતો જ્યારે એક તરફ દેશ સ્વતંત્રતા મેળવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં બીજી તરફ દેશમાં ભાગલાના કારણે અરાજકતાનો માહોલ હતો અને લાખો લોકોએ તેનો ભોગ બનવું પડ્યું હતું.લાખો લોકોએ રાતોરાત ભાગવું પડ્યું અને લાખો લોકો માર્યા ગયા હતા.

14 ઓગસ્ટ 1947ના રોજ ભારતને સ્વતંત્રતા તો મળી પરંતુ તેની સાથે દેશનું વિભાજન પણ થયું અને ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા.
વિભાજનથી દેશના બે ટુકડા કરી દેવામાં આવ્યા અને પૂર્વ,પશ્ચિમ બંને તરફ અમુક વિસ્તારને પાકિસ્તાનને અલગ ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવી.જોકે, 1971ના યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું.

MILLENNIUM PHOTO: FREEDOM MOVEMENT, HISTORY’S BIGGEST MIGRATION. TRAIN LOADED TO CAPACITY, INDIA PAKISTAN PARTITION.. ISSUED BY DIRECTORATE OF PUBLIC RELATIONS, EAST PUNJAB.

ભાગલા પડ્યા તેની સાથે જ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતરણ જોવા મળ્યું હતું અને રાતોરાત લોકોએ પોતાના ઘરબાર છોડીને ભાગવું પડ્યું હતું.સૌથી વધુ અસર પંજાબ અને બંગાળમાં જોવા મળી હતી કારણ કે આ બંને રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે.આ આખા પ્રકરણમાં દોઢ કરોડ લોકોએ ઘર-સંપત્તિ છોડીને ભાગવું પડ્યું હતું.બાળકો,વૃદ્ધો,મહિલાઓ તમામ હિંસાની ચપેટમાં આવ્યા હતા અને લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.વિભાજન બાદ થયેલાં રમખાણોમાં 20 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.મહિલાઓ સાથે બળાત્કાર થયા હતા તો ક્યાંક શરણાર્થીઓ ભરેલી ટ્રેનમાં નરસંહાર થયા હતા. બંગાળ,બિહાર,પંજાબ વગેરે ક્ષેત્રોમાં સાંપ્રદાયિક રમખાણો થયાં હતાં.પાકિસ્તાનથી લોહીથી લથબથ ટ્રેન પણ ભારત આવી હતી.વિભાજન દરમિયાન લોકોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે હવેથી દર વર્ષે 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે.જોકે, આ દિવસને પાકિસ્તાન સ્વતંત્રતા દિવસ તરીકે પણ ઉજવે છે.

Share Now