ધૃણાસ્પદ કિસ્સો : રાજસ્થાનમાં શિક્ષકના માટલામાંથી પાણી પીવા બદલ દલિત બાળક સાથે મારપીટ, સારવાર દરમિયાન થયું મોત

137

રાજસ્થાનમાં એક શાળામાં શિક્ષકે 9 વર્ષીય દલિત બાળક સાથે મારપીટ કર્યા બાદ તેનું મોત થયાનો મામલો સામે આવ્યો છે.આ ઘટના જાલોરના સુરાણા ગામની એક ખાનગી શાળાની છે.અહીં એક શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો હતો,જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.માર મારવાનું કારણ એ હતું કે વિદ્યાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પી લીધું હતું.

દલિત બાળક સાથે માત્ર શિક્ષકના માટલામાંથી પાણી પીવાના કારણે શિક્ષક દ્વારા મારપીટ કરવામાં આવી હતી અને એટલો માર્યો કે બાળકની કાનની નસ ફાટી ગઈ હતી.જે બાદ તેને સારવાર માટે રાજસ્થાનમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદ પણ લાવવામાં આવ્યો હતો.પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.આ મામલે મૃતક બાળકના પિતાએ જણાવ્યું કે, મારા પુત્રને તેણે (શિક્ષકે) માટલાથી પાણી પીવા માટે માર માર્યો અને જાતિવાચક ગાળો દીધી હતી. મારપીટના કારણે તેને બ્રેન હેમરેજ થઇ ગયું.હું તેને સારવાર માટે ઉદયપુર અને પછી અમદાવાલઇ ગયો,જ્યાં તેનું મોત થઇ ગયું.

રિપોર્ટ અનુસાર, બાળક ત્રીજા ધોરણમાં ભણતો હતો.ગત 20 જુલાઈના રોજ નિત્યક્રમ મુજબ તે શાળાએ ગયો હતો.દરમિયાન સવારે 10:30 વાગ્યે તરસ લાગતાં શાળાના એક માટલામાંથી પાણી પી લીધું હતું.જે શિક્ષક છૈલસિંહનું હતું.તેણે વિદ્યાર્થીની મારપીટ કરી હતી.જેનાથી બાળકને અંદરના ભાગે ઇજા પહોંચી હતી. દુખાવો થતાં તે નજીકમાં જ આવેલી તેના પિતાની દુકાને પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.જે બાદ પિતા તેને સારવાર માટે અનેક હોસ્પિટલોમાં લઇ ગયા, પછીથી અમદાવાદમાં પણ સારવાર કરાવી પરંતુ આખરે 13 ઓગસ્ટના રોજ તેનું મોત થઇ ગયું હતું.

દલિત વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે.બીજી તરફ, આ ઘટનાને લઈને વિસ્તારમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.વિસ્તારમાં સર્જાયેલા તણાવને જોતાં સ્થાનિક તંત્રએ 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે. સ્થાનિકો આરોપી શિક્ષક સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.આરોપી શિક્ષક સામે હત્યા અને એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.તેની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

રાજસ્થાન ભારતીય જનતા પાર્ટીએ આ ઘટના મુદ્દે રાજ્યની અશોક ગેહલોત સરકારને આડે હાથ લેતાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે, જાલોરના 9 વર્ષીય વિદ્યાર્થીની એવી શું ભૂલ હતી કે તેને મારવામાં આવ્યો અને તેનું મોત થઇ ગયું? આનો જવાબદાર કોણ છે? મુખ્યમંત્રીના શાસનમાં એક વંચિત વર્ગનો વિદ્યાર્થી પણ સુરક્ષિત નથી.

Share Now