સુરત : શહેરના એક પોલીસ જવાનની દિલ્હી પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે.સુરત શહેરના કાપોદ્રામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ રણછોડ કોરડીયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિપુલ નામનો આ કોન્સ્ટેબલ પોતાનો હોદ્દાનો ઉપયોગ કરીને ગુપ્ત રાહે સીડીઆર પુરા પાડતો હતો.જે બાબત ખુલતા જ દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી હતી.તે બાદ સુરત પોલીસ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.વિપુલનું પોસ્ટિંગ કાપોદ્રામાં હતું પણ છેલ્લા 7 મહિનાથી તે ફરજ પર હાજર રહેતો ન હતો.જોકે આ ગંભીર બાબત ધ્યાનમાં આવતા દિલ્હી પોલીસ દ્વારા સુરતથી આ કોન્સ્ટેબલની ધરપકડ કરાતા સુરત પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે.
આ ટોળકીએ તાજેતરમાં 500થી વધુ CDR વેચ્યા હતા
વાસ્તવમાં તાજેતરમાં જ દિલ્હી પોલીસે ડિટેક્ટીવ એજન્સીઓ અને પોલીસના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે.જે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે લોકોના કોલ ડિટેલ રેકોર્ડ્સ (સીડીઆર) મેળવવા અને વેચવામાં કથિત રીતે સામેલ છે.આ કેસમાં મુખ્ય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ ગુનામાં સામેલ અન્યને પકડવા માટે દરોડા ચાલુ છે.પોલીસને શંકા છે કે આ ટોળકીએ તાજેતરમાં 500થી વધુ CDR વેચ્યા હતા.
સીડીઆરની આપલે માટે મોટી રકમ વસૂલવામાં આવે છે
દિલ્હી પોલીસને ખાનગી ડિટેક્ટીવ એજન્સી માટે કામ કરતા એક વ્યક્તિ વિશે માહિતી મળી હતી,જે ગેરકાયદેસર રીતે સીડીઆર આપે છે. તેને રંગે હાથે પકડવા માટે,પોલીસે એક માણસને ગ્રાહક તરીકે ઉભો કર્યો અને ફોન નંબરના CDR માટે એજન્સીનો સંપર્ક કર્યો. પોલીસ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને આરોપીઓની એક પછી એક ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.આરોપીઓ પાસેથી ફોન નંબરની સીડીઆર અને રૂ. 25,000 ધરાવતી પેન ડ્રાઇવ મળી આવી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે આવી ઘણી એજન્સીઓ આવા કામમાં રોકાયેલી છે અને લોકોની અંગત માહિતી અને સીડીઆરની આપલે માટે મોટી રકમ વસૂલવામાં આવે છે.
આરોપી કોઈ મોટા રેકેટનો ભાગ
પોલીસને આશંકા છે કે આરોપી કોઈ મોટા રેકેટનો ભાગ છે.પૂછપરછ દરમિયાન, ડિટેક્ટીવ એજન્સીનો માલિક અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ લેનાર વ્યક્તિની ભૂમિકા બહાર આવી હતી.અમને શંકા છે કે ગેંગ દ્વારા 500થી વધુ સીડીઆર વેચવામાં આવ્યા હશે.ગ્રાહકો ફોન નંબર દ્વારા તેમનો સંપર્ક કરતા હતા.આરોપીઓએ ક્લાયન્ટ દ્વારા આપવામાં આવેલા ઈમેલ આઈડીમાં ડ્રાફ્ટ દ્વારા સીડીઆર પણ પૂરા પાડ્યા હતા.અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના સીડીઆર વૈવાહિક વિવાદો અથવા લગ્નેતર સંબંધોની શંકા સાથે સંબંધિત છે.
વિપુલની સાથે આ રેકેટમાં મીત શાહ અને અન્ય એક શખ્સ પણ સંડોવાયેલો હતો.આ બે જણા હસ્તક તે દિલ્હીના રોહિણી ખાતે જાસૂસી સંસ્થા ચલાવતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો.દિલ્હી,રોણિણીની એ જાસૂસી સંસ્થાને જરુર પડે એવી માહિતી સુરત પોલીસનો કોન્સટેલ વિપુલ ડીસીપીની આઇડીનો ગેરકાયદે ઉપયોગ કરી મેળવી આપતો હતો.