નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ,2022 : દુનિયાની સૌથી ખૂંખાર ગણાતી જાસૂસી એજન્સી મોસાદમાં પહેલી વખત બે મહિલાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.મોસાદે આ અંગેની સત્તાવાર જાણકારી આપી છે.મોસાદના કહેવા અનુસાર એક મહિલા કુફ પહેલેથી જ ઈરાન ડેસ્કના હેડ તરીકે સેવા આપી રહી છે.આમ ઈરાનને લગતી જાસૂસી કામગીરીની જવાબદારી આ મહિલા પાસે છે.
બીજી તરફ અલફ નામની મહિલાને મોસાદમાં ડાયરેકટર ઓફ ઈન્ટેલિજન્સની જવાબદારી આપવામાં આવી છે.જોકે અલફની તસવીર પ્રેસ રિલિઝમાં ધૂંધળી કરી નાંખવામાં આવી છે.જેથી તેમની ઓળખ છુપાવી શકાય.અલફ પર હવે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ, વૈશ્વિક આતંકવાદ પર નજર રાખવાની જવાબદારી રહેશે.
ઈઝરાયેલના પૂર્વ પીએમ નેફટાલી બેનેટે અલફ અને કુફને મોસાદમાં મોટા હોદ્દા મળવા પર ખુશી વ્યક્ત કરીને તેને ઘણો સારો નિર્ણય ગણાવ્યો છે.તેમણે કહ્યુ હતુ કે, ગયા સપ્તાહે મારી બંને સાથે એક જરુરી કામ માટે મુલાકાત થઈ હતી.આ દરમિયાન મને લાગ્યુ હતુ કે, દેશની સુરક્ષાની જવાબદારી બહુ યોગ્ય લોકો પાસે છે.
મોસાદના ચીફ ડેવિડ બાર્નિયાનુ કહેવુ છે કે, જ્યારે કોઈ મોસાદમાં પ્રવેશે છે ત્યારે તે પુરુષ હોય કે મહિલા પણ તેમને સમાન રીતે જોવામાં આવે છે.મોસાદમાં ઘણી મહિલાઓ છે જેમણે જાસૂસી પણ કરી છે.મોસાદના દરવાજા મહિલા હોય કે પુરુષ તમામ માટે ખુલ્લા છે.