‘મહાકાલ’ના ભક્તોની નારાજગી બાદ Zomatoએ પાછી ખેંચી એડ

135

– ‘જાહેરાતમાં ‘મહાકાલ રેસ્ટોરા’ની ‘થાળી’ની વાત કરવામાં આવી છે, ભગવાન મહાકાલેશ્વરના મંદિરની નહીં.’

નવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ 2022, સોમવાર : ઓનલાઈન ફુડ ડિલિવરી કરતી કંપની ઝોમેટો સતત કોઈને કોઈ વિવાદોમાં ઘેરાતી રહે છે.તાજેતરમાં ઝોમેટોની ઋતિક રોશનને લઈને બનાવાયેલી જાહેરાતનો ભારે વિરોધ જાગ્યો હતો.હકીકતે તે જાહેરાતમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેના કારણે મંદિરના પુજારીઓ અને શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી.

શું છે તે એડ

એડમાં ઋતિક રોશન બોલી રહ્યો છે કે, ‘થાલી કા મન કીયા.. ઉજ્જૈનમેં હૈ તો મહાકાલ સે મંગા લીયા..’ મતલબ કે થાળી જમવાનું મન થયું તો ઉજ્જૈનમાં છીએ તો મહાકાલ પાસેથી મંગાવી લીધી.આ અંગે વિવાદ જાગ્યા બાદ કંપનીએ પોતાની જાહેરાત પાછી ખેંચી લીધી છે.કંપનીએ જણાવ્યું કે, ‘અમે અમારી ઈમાનદારીપૂર્વક માફી માંગીએ છીએ કારણ કે, અહીં કદી કોઈની આસ્થા તથા લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.’

પોતાની સ્પષ્ટતામાં ઝોમેટોએ જણાવ્યું કે, ‘જાહેરાતમાં ‘મહાકાલ રેસ્ટોરા’ની ‘થાળી’ની વાત કરવામાં આવી છે, ભગવાન મહાકાલેશ્વરના મંદિરની નહીં.તે વીડિયો અમારા અખિલ ભારતીય અભિયાનનો હિસ્સો છે જેના માટે અમે પ્રત્યેક શહેરની લોકપ્રિયતાના આધાર પર ટોચની સ્થાનિક રેસ્ટોરા અને તેના મુખ્ય વ્યંજનોની ઓળખ કરી છે.મહાકાલ રેસ્ટોરા ઉજ્જૈનમાં અમારી સૌથી વધુ ઓર્ડર મેળવતી રેસ્ટોરા પૈકીની એક છે અને થાળી તેમના મેન્યુનો હિસ્સો છે.’

Share Now