બાળ ઠાકરેની સાચી શિવસેના સાથે મુંબઈમાં બીજેપી ભગવો લહેરાવશે : BMC ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંક્યું

166

– મંગલ પ્રભાત લોઢા અને આશિષ શેલારના સત્કાર કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ બીએમસીના ચૂંટણીપ્રચારનું રણશિંગું ફૂંક્યું

મુંબઈ : બીએમસીની ચૂંટણી માથા પર છે ત્યારે બીજેપીએ ગઈ કાલે પક્ષના નવનિયુક્ત મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર અને કૅબિનેટ પ્રધાન બનેલા મંગલ પ્રભાત લોઢાના સત્કાર માટે આયોજિત કરેલા કાર્યક્રમમાં પ્રચારનું રણશિંગું ફૂંક્યું હતું.નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં બાળ ઠાકરેની સાચી શિવસેના સાથે મળીને બીજેપી મુંબઈમાં ભગવો લહેરાવશે.બીજેપીના કાર્યકરો શહેરમાં ફરી વળશે અને સત્તાધારીઓ પાસેથી પચીસ વર્ષનો હિસાબ માગશે અને જનતાની અદાલતમાં લેખાંજોખાં મૂકવામાં આવશે.

અમને વિશ્વાસ છે કે મુંબઈની જનતા અમને સાથ આપશે અને આગામી મેયર બીજેપીનો જ બેસાડવામાં મદદ કરશે.પક્ષના તમામ નેતાઓએ ઉદ્ધવ ઠાકરેને બીએમસીના કારભાર બાબતે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.બીજેપીના આ શક્તિપ્રદર્શન પરથી જણાઈ આવે છે કે એકનાથ શિંદે સાથે મળીને આ વખતે બીજેપી મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની સેનાને ઘરે બેસાડી દેવામાં આક્રમકતા દાખવશે.

કિંગ્સ સર્કલમાં આવેલા ષણ્મુખાનંદ હૉલમાં ગઈ કાલે બપોરના બીજેપી દ્વારા મંગલ પ્રભાત લોઢા અને આશિષ શેલારના સત્કાર સમારંભના નામે શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ સમયે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના તમામ નેતાઓએ મુંબઈમાં બીએમસી દ્વારા અઢી દાયકામાં ચલાવવામાં આવેલા કારભાર પર સવાલ કરીને આડકતરી રીતે ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લીધા હતા. ૨૦૧૭માં આશિષ શેલારના નેતૃત્વમાં મુંબઈમાં બીજેપીએ જબરદસ્ત સફળતા મેળવી હતી. ૩૧ નગરસેવકમાંથી પાંચ વર્ષ પહેલાંની ચૂંટણીમાં બીજેપીના ૮૩ નગરસેવક ચૂંટાઈ આવ્યા હતા.આગામી ચૂંટણીમાં આનાથી પણ વધુ સફળતા મેળવવા માટે બધાએ કમર કસી લેવાની સૂચના બીજેપીના કાર્યકરોને આપવામાં આવી હતી.

Share Now