
ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું હતું કે સરકાર કરતાં સંગઠન પાસે પાવર વધારે હતો.ભૂપેન્દ્ર પટેલે પણ સીઆર પાટીલના બંગ્લે જઈને સરકારમાં કંઇ પણ ફેરફારો કરવા નિર્ણયો લેવા પડતા હતા.રૂપાણી સરકાર સુધી ક્યારેય કોઈ મંત્રી કમલમના આંટાફેરા કરતો ન હતો.હવે પાવર સ્ટેશન બદલાયું હતું અને સીએમ બંગ્લાને બદલે પ્રદેશ અધ્યક્ષ પાટીલના બંગલામાં મહત્વના વહીવટી નિર્ણયો લેવાતા હતા.
મોદીએ પાટીલને ભાજપમાં નવો પ્રાણ પૂરવા અને 150 બેઠકો જીતવા માટે પૂરતી આઝાદી આપી હતી પણ પાટીલ ભાજપને આગળ વધારવામાં અને સરકાર ચલાવવામાં સફળ રહ્યાં ન હોવાનો રિપોર્ટ છે.જે સરકાર ભૂપેન્દ્ર પટેલે નહીં પણ પાટીલે ચલાવી એ સરકારનો નબળો રિપોર્ટ એ ભૂપેન્દ્ર પટેલનો નહીં પણ પાટીલનો નબળો રિપોર્ટ છે.મંત્રીઓએ કમલમના આદેશો માનીને વહીવટી નિર્ણયો લેવા પડે તેવા સંજોગો છતાં 2 મંત્રીઓના ખાતા બદલી દેવા પડ્યાં છે.મોદીએ દિલ્હી બેઠા બેઠા પણ સચિવાલયથી લઈને સ્થાનિક લેવલે સરવે કરાવ્યો છે.ભલે મોદી ગુજરાત ના આવ્યા પણ રજે રજનો રિપોર્ટ દિલ્હી પહોંચતો હતો.ગુજરાતમાં જે પ્રકારે પાટીલ આપના પ્રભાવને રોકવામાં નિષ્ફળ રહ્યાં છે એ સૌથી મોટી પાટીલની નિષ્ફળતા છે.પીએમ મોદીને સૌથી વધુ ખૂચ્યું હોય તો ગુજરાતમાં આપની સક્રિયતા છે.કોરોનામાં નિષ્ફળ જનાર ગુજરાતની રૂપાણી સરકારને બદલીને એક નવી સરકાર બનાવવાનો પ્રયોગ કરનાર મોદીને આ પ્રયોગ ભારે પડ્યો છે.ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષને અમાપ પાવર આપીને ભાજપનું કદ વધારવાના પ્રયાસમાં ક્યાંક કાચું કપાયો હોવાનો અહેસાસ હવે હાઈકમાન્ડને થયો છે.ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યાં ભૂપેન્દ્ર પટેલ સરકારની નબળી કામગીરીના રિપોર્ટ બાદ 2 મંત્રીઓના ખાતાઓ છીનવાયા છે.જેને આખી રૂપાણી સરકારને ઉથલાવી નાખી હતી એ બીએલ સંતોષ દિલ્હીથી દોડી આવીને સતત 2 દિવસો મીટિંગ કરીને ગયા છે.હવે ભૂપેન્દ્ર યાદવ આજે આવ્યા છે એ સાબિત કરે છે ભાજપમાં આંતરિક વિખવાદો વધ્યા છે અને બધુ બરોબર ચાલી રહ્યું નથી.દિલ્હીના દૂત બીએલ સંતોષ અને ભૂપેન્દ્ર યાદવના આંટાફેરા સાબિત કરી રહ્યાં છે કે પાટીલ મોદીની અપેક્ષા પૂરી કરવામાં ઉણા ઉતર્યા છે.
ગુજરાતમાં ભાજપનો પાયો મજબૂત છે.કોંગ્રેસ માટે ગુજરાતમાં અસ્તિત્વનો સવાલ છે ત્યાં આપે ગુજરાતમાં વિરોધપક્ષ બનવા ભરપૂર તૈયારીઓ કરી લીધી છે.ગુજરાતીમાં એક રૂઢિ પ્રયોગ છે ડોશી મરે એનો વાંધો નથી પણ જમ ઘર ભાળી જાય એની બીક છે.’ ઘરમાં રહેલી ડોશી તો વૃધ્ધ અને બીમાર છે. એ મરે એમાં એટલું મોટું નુકસાન નથી જણાતું પણ જમ (એટલે કે યમરાજ ) ઘર જોઈ જાય અને બીજા લોકોને પણ એક પછી એક (બીમારી અથવા કોઈ પણ કારણસર) લઇ જાય તો એ બહુ મોટું નુકસાન થઇ શકે છે.આ જ સ્થિતિ હાલમાં ભાજપને છે.ભાજપને 2022માં આપ નુક્સાન કરે એનો ડર નથી પણ 15થી 20 સીટો લઈ જાય તો જમ ઘર ભાળી જાય એમ એક દાયકા બાદ નડે એનો ડર છે.ગુજરાતમાં કોંગ્રેસ એ મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહી છે પણ આપે સુરતમાં જીતીને જે ભાજપના નાકમાં દમ કર્યો છે એ વિઘાનસભામાં થાય એવો ડર ભાજપને છે. MLAની કામગીરીના રિપોર્ટ તૈયાર કરાયાં છે.જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ નબળા પૂરવાર થયા હોવાનો રિપોર્ટ છે. AAPની સક્રિયતા વચ્ચે મંત્રી-MLAની નિષ્ક્રિયતા ભાજપને હાલમાં પોષાય તેમ નથી.
અત્રે નોંધનીય છે કે અગાઉ વર્ષ 2021માં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમના એક કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના સરળ સ્વભાવની અને ભોળપણની વાત કરી તે અંગે નિવેદન આપ્યું હતું જેમાં તેમને કહ્યું હતું કે અમારે CM ઉપર વોચ રાખવી પડે છે.મહેસાણામાં રજત તુલા કાર્યક્રમમાં સી.આર.પાટીલે સંબોધનમાં કહ્યું હતું કે લોકોના હૃદયમાં CMએ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું છે.ભવિષ્યમાં ચોક્કસ પરિણામ આવશે.આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતાં કહ્યું કે અમારા CM ખૂબ સારા સ્વભાવના છે.અમારે CM ઉપર વોચ રાખવી પડે છે કે કોઈ તેમની પાસે હા ન પડાવી જાય. કારણ કે CM પોતે કહે છે કે હું સરળ સ્વભાવનો છું.મહત્વનું છે કે આ પહેલા સુરતના કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલના PM મોદીએ વખાણ કર્યા હતા.
ગુજરાતમાં એક કહેવત છે કે “જ્યારે કંઈ કામ ન કરે ત્યારે મોદી કામ કરે છે.” અને આ વર્ષના અંતમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે PMના સૌથી વિશ્વાસુ લેફ્ટનન્ટ્સમાંના એક છે, C.R. પાટીલ, જેઓ રાજ્યમાં ભાજપનું ત્રણ દાયકાનું શાસન ચાલુ રહે તેની ખાતરી કરવા માટે કામ કરી રહ્યા છે પરંતુ ધાર્યા પ્રમાણે સરકારની કામગીરીના આઉટપુટસ ન મળતાં દિલ્હી સ્થિત હાઇકમાન્ડ આ બાબતની ગંભીર નોંધ લઇ રહ્યું છે.વિધાનસભા ઇલેક્શનમાં આપ પોતાનો ડંકો ન વધારી દે અને ગુજરાત સરકારમાં જે વિવાદો પ્રતિદિન બહાર આવી રહ્યા છે એને લઇને કેન્દ્રીય ભાજપ ખુબ નારાજ છે.પીએમ મોદી ઈચ્છે છે કે રાજ્યમાં ભાજપ વધુમાં વધુ સારું પ્રદર્શન કરે પણ તેમની આ ઈચ્છા હાલના મંત્રીમંડળની કામગીરી જોતા નબળા પ્રદર્શન થઇ રહ્યાં હોવાના અહેવાલ છે અને પ્રજા સમક્ષ વધુ વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરવાની અને પાટીલને વિધાનસભામાં મહત્વપૂર્ણ કામગીરી સોંપાય હોવા છતાં પરિણામ બહુ સારું નથી મળી રહ્યું હોવાના ગણગણાટ વચ્ચે હવે હાઇકમાન્ડ આવનારા દિવસોમાં મોટાપાયે ફેરફારો કરે એવી શક્યતા હોવાનું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.રિમોટ કંન્ટ્રોલ સરકારની કામગીરી અસરકારક દેખાઈ રહી નથી અને સામે વિધાનસભા ઈલેક્શન અગાઉ ભાજપને કોઈપણ પ્રકારે વિપક્ષનો ખાસ કરીને આપનો દબદબો ઓછો કરવા પ્રયત્નશીલ બનવું પડ્યું છે.તો હવે જે રીતે સી.આર પાટીલે ભાજપના સંગઠનને તનતોડ મેહનત કરી કામે લગાડ્યું છે છતાં કોઈ સારા પરિણામ દેખાઈ નથી રહ્યાં ત્યારે પીએમ મોદી ગુજરાત ભાજપમાં મોટા ફેરફારો કરી પુનઃ પ્રજાને અને ખુદ સરકારને ચોંકાવી શકે છે તેવું કહેવું પણ અતિશયોક્તિપૂર્ણ નથી.