– આ વખતે તેમને માર્ચ અને એપ્રિલ મહિનામાં દાખલ એક કેસ મામલે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તે કેસને પયગંબર વિવાદ સાથે કોઈ સંબંધ નથી
હૈદરાબાદ, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવાર : પયગંબર મોહમ્મદ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી.રાજાને પોલીસે ફરી એક વખત કસ્ટડીમાં લીધા છે. ટી.રાજાના નિવેદન મામલે હૈદરાબાદમાં ખૂબ જ ઉહાપોહ થઈ રહ્યો છે અને તણાવ વ્યાપ્યો છે.
ટી.રાજાના વકીલ કરૂણા સાગરે પોલીસની કાર્યવાહીની પુષ્ટિ કરી છે અને ટી.રાજાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.એક અહેવાલ પ્રમાણે તેમને Chanchalguda જેલમાં શિફ્ટ કરવાની તૈયારીઓ થઈ રહી છે.જોકે આ વખતે તેમને માર્ચ અને એપ્રિલ મહિનામાં દાખલ એક કેસ મામલે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તે કેસને પયગંબર વિવાદ સાથે કોઈ સંબંધ નથી.
ટી.રાજાએ થોડા સમય પહેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ,તેમના દીકરા કેટીઆર તથા એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને તણાવપૂર્ણ માહોલ માટે જવાબદાર ગણાવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, કેટીઆર એક નાસ્તિક છે અને તે ભગવાનને નથી માનતા.તે મુનવ્વર ફારૂકીને શો માટે બોલાવે છે.તેને સુરક્ષા આપવામાં આવે છે પરંતુ આ લોકો રામ ભક્તો પર લાઠીચાર્જ કરાવે છે.મારી ધરપકડ કરાવે છે.મુનવ્વરનો શો ચાલુ રહે તે માટે 500 પોલીસ અધિકારીઓને તૈનાત કરી દે છે.