– વેપારીઓ પૂછે છે કે જાયે તો જાયે કહાં: તમારી ઑફિસ બીજે માળે છે,તમે કારના વેચાણનો ધંધો કઈ રીતે કરી શકો?
– રજિસ્ટ્રેશનની અરજી અપલોડ કરવા માટે આધાર અને પાનકાર્ડ ફરજિયાત હોવા છતાં નવેસરથી તેની કોપી માગતા અધિકારીઓ
અમદાવાદ,ગુરૃવાર : નવા વેપાર કરવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રજિસ્ટ્રેશન માટે અરજી કરનારાઓ વેપારીઓને બે બે ત્રણ ત્રણ મહિના સુધી રજિસ્ટ્રેશન મળતા નથી અને તેમની અરજીઓ રદ કરવા માટે ક્ષુલ્લક કારણો આપવામાં આવી રહ્યા છે.ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રજિસ્ટ્રેશન માટેની અરજીઓ રિજેક્ટ કરવા માટે કે મંજૂર ન કરવા માટે હાસ્યાસ્પદ ગણાય તેવા કારણો પણ જીએસટી કચેરીના અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન અરજી કરવામાં આવે ત્યારે તેમાં અરજદારનો આધારકાર્ડ નંબર તથા પાનકાર્ડનંબર સહિતની વિગતો વિના અરજી અપલોડ જ થતી નથી.તેમ છતાંય અરજદારને આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ મોકલવાની ફરજ પાડતી નોટિસ આપવામાં આવે છે.આ ડોક્યુમેન્ટનું ઇ-વેરિફિકેશન થઈ ગયું હોવા છતાંય તેઓ આ રીતે હાર્ડ કોપી લઈને હાજર થવાની ફરજ પાડી રહ્યા છે.પરિણામે કંપનીઓને અને વેપારીઓને લાગી રહ્યું છે કે ચોકસાઈને નામે તેમને બિનજરૃરી હેરાન કરવામાં આવી રહ્યા છે.
સેકન્ડ હેન્ડ કારનો બિઝનેસ કરનારની ઓફિસ બીજે માળે હોવાથી જીએસટી કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવનારને એવો જવાબ આપવામાં આવ્યો છે કે બીજે માળે ગાડી રાખી શકાતી નથી.તેથી તમને સેકન્ડ હેન્ડ કારના રજિસ્ટ્રેશન આપી શકાય તેમ નથી. બ્રોકર તરીકે રજિસ્ટ્રેશન કરવાની અરજી કરનારને જીએસટી કચેરી તરફથી એવી નોટિસ આપવામાં આવી છે કે તમારી જગ્યા તમારા બિઝનેસ માટે તમે દર્શાવેલી સ્યૂટેબલ જણાતી નથી,તેથી તમને રજિસ્ટ્રેશન મળી શકે નહિ.
પરમેનન્ટ એકાઉન્ટ નંબર-પાનમાં તમારા પિતાનું નામ છે,પરંતુ તમારા દાદાનું નામ ન હોવાથી તમને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન મળી શકે તેમ જ નથી.આ પ્રકારની નોટિસ દરેક ભાગીદારને ગઈ હોવાથી શું કરવું તે પણ નવી કંપની સ્થાપવા માગનારાઓ મૂંઝાઈ ગયા છે.તેનાથી પણ આગળ વધીને વાત કરીએ તો જીએસટી રજિસ્ટ્રેશન માટે અરજી કરનારાઓને નોટિસ આપીને એવું પણ પૂછવામાં આવ્યું છે કે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ છે અને તેમનો સીએ ઇન્સ્ટિટયૂટમાં રજિસ્ટ્રેશન નંબર શું છે તે દર્શાવો તો જ તમને જીએસટી રજિસ્ટ્રેશન આપવામાં આવશે.
જીએસટી રજિસ્ટ્રેશન માટેની અરજી કરનારાઓના ઑફિસની સ્થળ તપાસ કરવા જતાં અધિકારીઓને પણ ખુશ કરવામાં ન આવે તો તેઓ પોઝિટિવ રિપોર્ટ આપતા જ નથી.આમ જીએસટી રજિસ્ટ્રેશન આજે વેપારીઓ અને કંપનીઓ માટે માથાનો દુઃખાવો બની રહ્યું છે.