– શિવસેના છોડ્યાના દોઢ દાયકા બાદ ગઈકાલે પહેલી વાર રાજ ઠાકરેએ જાહેરમાં કહ્યું, મેં જ્યારે પાર્ટી છોડી હતી ત્યારે બાળાસાહેબ ઠાકરેએ આમ કહીને મને બાથમાં લીધો હતો
મુંબઈ : શિવસેનામાં વર્ચસ જાળવવા અત્યારે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે લડાઈ ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ-મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈકાલે પક્ષના અધિકારીઓની સભામાં વારસા બાબતે ઉદ્ધવ ઠાકરે પર નામ લીધા વિના નિશાન તાક્યું હતું.હિપ સર્જરી બાદ ફરી સક્રિય થયેલા રાજ ઠાકરેએ કહ્યું કે ‘પક્ષના ચિહ્ન, અસલી શું અને નકલી શુંને બદલે મારી પાસે વિચારનો વૈભવ છે.એકનાથ શિંદે સહિતના શિવસેનાના નેતાઓએ બળવો કર્યો હોવાની વાત થાય છે ત્યારે એમાં રાજ ઠાકરેનું નામ પણ લેવાય છે.મેં બળવો નહોતો કર્યો.પક્ષ છોડવાનો નિર્ણય લીધો હતો ત્યારે બાળાસાહેબે મને બાથમાં લઈને કહ્યું હતું, જા, તને મુક્ત કરું છું.’
રાજ ઠાકરેએ શિવસેના છોડ્યાને દોઢ દાયકો વીત્યો છે ત્યારે તેમણે પહેલી વખત આ વાત કરી હતી.નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનનું રાજ ઠાકરેએ આ સમયે સમર્થન કર્યું હતું.મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ હિપ સર્જરીના બે મહિના બાદ ગઈકાલે બપોરે ૧૨ વાગ્યે દાદરમાં આવેલા રવીન્દ્ર નાટ્ય મંદિરમાં પક્ષના પદાધિકારીઓ માટેની એક સભા યોજી હતી.સંબોધનની શરૂઆતમાં જ તેમણે શિવસેનાના વારસા વિશે કહ્યું હતું કે ‘પેશવાઓએ છત્રપતિ શિવાજી મહારાજના વિચારનો વારસો તેમની ધરપકડ થઈ ત્યાં સુધી સાચવી રાખ્યો હતો.તેમણે ક્યારેય પોતાને છત્રપતિ નહોતા માન્યા.મારી પાસે પણ વિચારોનો વારસો છે.મારી પાસે પક્ષની નિશાની હોય કે ન હોય, વિચારનો વૈભવ છે.’
રાજ ઠાકરેએ પહેલી વખત તેમણે શિવસેના છોડી હતી ત્યારની ઘટના કહી હતી.તેમણે કહ્યું કે ‘મેં અન્યોની જેમ શિવસેના છોડી નહોતી.બાળાસાહેબને કહીને હું બહાર નીકળ્યો હતો.પક્ષ છોડતી વખતે હું બાળાસાહેબને મળ્યો હતો.ત્યારે તેમણે મને બાથમાં લઈને કહ્યું હતું ‘જા, તને મુક્ત કરું છું.’ હું દગો કરીને કે પીઠમાં ખંજર ભોંકીને બહાર નહોતો નીકળ્યો અને બહાર ગયા બાદ બીજા કોઈ પક્ષમાં પણ નથી ગયો.બાળાસાહેબના વિશ્વાસ પર મારો પોતાનો નવો પક્ષ ઊભો કર્યો છે.’
રાજકારણની રમત મંડાઈ છે
રાજ ઠાકરેએ રાજ્યના રાજકારણ વિશે કહ્યું કે ‘લોકો સવાલ કરતા નથી એટલે અત્યારનું રાજકારણ ચાલી રહ્યું છે.માત્ર રમત રમાઈ રહી છે,લોકોને હળવાશથી લેવામાં આવી રહ્યા છે.આપણે કંઈ પણ કરીશું તો પણ લોકો મત તો આપશે જ એવું તેઓ માની રહ્યા છે.થોડા સમય બાદ ધ્યાનમાં આવશે કે મહારાષ્ટ્ર પહેલાં કેવું હતું અને અત્યારે ક્યાં પહોંચી ગયું છે.’
નૂપુર શર્માએ સાચું જ કહ્યું છે
બીજેપીએ મુસ્લિમ ધર્મના પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણી સંદર્ભે રાજ ઠાકરેએ કહ્યું કે ‘તેમને પક્ષમાંથી શા માટે કાઢી મૂકવામાં આવ્યાં? મેં તેમની સાઇડ લીધી હતી.તેઓ પોતાના મનથી કંઈ નહોતાં બોલ્યાં.જે સત્ય છે એ જ તેમણે કહ્યું છે.ઝાકિર નાઈકે જે કહ્યું છે એ જ નૂપુરે કહ્યું છે.ઝાકિર નાઈકને કોઈએ માફી માગવાનું નથી કહ્યું.ઓવૈસી હિન્દુઓનાં દેવી-દેવતા વિશે ફાવે તેમ બોલે છે ત્યારે તેમને કોઈ માફી માગવાનું કેમ નથી કહેતું?’
નજીકના ભવિષ્યમાં ગ્રામ પંચાયતથી નગરપાલિકા અને મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓ આવવાની છે ત્યારે મનસેના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે આવી તમામ ચૂંટણીમાં પોતે સભા યોજશે એવું રાજ ઠાકરેએ કહ્યું છે.રાજ ઠાકરેએ અંતમાં લોકોને અપીલ કરી હતી કે તેઓ જો તેમના હાથમાં સત્તાની ધુરા આપશે તો રાજ્યનાં તમામ ટોલનાકાં બંધ કરી દેવાશે.