અમદાવાદ,તા.01 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર : લોન આપનાર કંપની પાસેથી જ વોરન્ટ ખરીદીને NDTVના હોસ્ટાઈલ ટેકઓવર માટે પ્રયાસ કરી રહેલ અદાણી સમૂહ સામે વધુ એક અડચણ ઉભી થઈ શકે છે.અદાણી ગ્રુપ માટે એનડીટીવીમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે વધુ એક સમસ્યા ઊભી થઈ શકે છે.
અદાણી ગ્રૂપને મીડિયા જાયન્ટ ન્યૂ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV)માં બહુમતી હિસ્સો ખરીદવા માટે ટેક્સ સત્તાધીશો પાસેથી મંજૂરીની જરૂર પડશે.એનડીટીવીએ 31 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ અંગેની માહિતી રજૂ કરી હતી.
ટેક્સ સંબંધિત છે કેસ :
લગભગ પાંચ વર્ષ પહેલાં 2017માં આવકવેરા વિભાગે NDTVના સ્થાપકો પ્રણવ રોય અને રાધિકા રોયને મીડિયા કંપનીમાં તેમનો હિસ્સો વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો.તેમના ટેક્સની પુન: આકારણીને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.એનડીટીવી દ્વારા સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતી અનુસાર ટેક્સ ઓથોરિટી હાલ એ પણ તપાસ કરી રહી છે કે શું આપવામાં આવેલ લોનને કારણે અંદાજે રૂ. 175 કરોડનો મૂડી લાભ થયો છે કે નહિ.આ કેપિટલ ગેઈન દેવાને ઇક્વિટીમાં ટ્રાન્સફર પર લાગુ થશે.એનડીટીવીએ જણાવ્યું હતું કે અદાણી જૂથને આ બાબતો અંગે સ્પષ્ટતા માંગતી ટેક્સ સત્તાધીશોને મોકલવામાં આવેલી અરજી પર સાથે આવવા માટે કહેવામાં આવ્યું છે.
NDTVને ખરીદવાનો પ્લાન :
દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથે થોડા દિવસો પહેલા અગ્રણી મીડિયા નેટવર્ક NDTVમાં બહુમતી હિસ્સો ખરીદવાની યોજના જાહેર કરી હતી.અદાણીએ લગભગ એક દાયકા પહેલા NDTVના સ્થાપકોને 400 કરોડ રૂપિયામાં લોન આપનારી કંપનીને હસ્તગત કરી છે.લોન આપનાર ધિરાણકર્તાને કોઈપણ સમયે તેને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાનો અધિકાર આપતા વોરંટના બદલામાં આ લોન આપવામાં આવી હતી.ગત અઠવાડિયે અદાણી જૂથે જણાવ્યું હતું કે તેણે આ અધિકારનો ઉપયોગ કર્યો છે એટલે કે પરોક્ષ રીતે NDTVમાં અદાણી જૂથનો હિસ્સો હશે.જોકે એનડીટીવીનું કહેવું છે કે આ તેમની સંમતિ વિના થયું છે.બજાર જગતમાં આ મીડિયાનું કોર્પોરેટાઈઝેશન અને NDTVના હોસ્ટાઈલ ટેકઓવર સાથે જોડી રહ્યાં છે.