– જિતેન્દ્ર કુમાર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ફ્લેટમાં એકલા રહેતા હતા જ્યારે તેમનો પરિવાર હિમાચલમાં રહે છે
નવી દિલ્હી, તા. 02 સપ્ટેમ્બર 2022, શુક્રવાર : CBIના ડેપ્યુટી લીગલ એડવાઈઝર જિતેન્દ્ર કુમારે આત્મહત્યા કરી લીધી છે.રાજધાની દિલ્હીના ડિફેન્સ કોલોની વિસ્તારમાં તેમનું નિવાસસ્થાન હતું.જણાવવામાં આવી રહ્યું છે કે, જિતેન્દ્ર કુમાર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ફ્લેટમાં એકલા રહેતા હતા જ્યારે તેમનો પરિવાર હિમાચલમાં રહે છે.તેમણે આ પગલું શા માટે ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.
આ ઘટનાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અહેવાલ અનુસાર, જિતેન્દ્રનો મૃતદેહ ફ્લેટની બાલ્કનીમાં બેલ્ટની મદદથી લટકતો જોવા મળ્યો હતો.પોલીસે લાશને નીચે ઉતારી પોતાની કસ્ટડીમાં લીધી હતી. પોલીસને લાશ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.જેમાં લખ્યુ છે કે, તે માનસિક તણાવ અને બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને તેનાથી નિરાશ થઈને આ પગલું ભર્યું છે.સુસાઈડ નોટમાં તેમના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી આ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનને ગુરૂવારે સવારે 6.47 વાગ્યે આ અંગેની માહિતી મળી હતી. પોલીસને CBIના લીગલ ડેપ્યુટી એડવાઈઝરનો મૃતદેહ તેમના ઘરે લટકતો જોવા મળ્યો હતો.
હકીકતમાં દિલ્હીમાં લિકર પોલીસી કૌભાંડની તપાસ કરી રહેલી ACB શાખામાં જ જિતેન્દ્ર કુમાર લીગલ એડવાઈઝર પદ તરીકે તૈનાત હતા.આ કેસમાં ACBએ જિતેન્દ્ર કુમારને પ્રોસિક્યુશનના સબ ડાયરેક્ટર બનાવ્યા હતા.જેઓ તપાસ એજન્સીને કાનૂની સહાય આપે છે.તમને જણાવી દઈએ કે આ કાનૂની સલાહકાર બીજું કોઈ નહીં પણ વ્યવસાયે વકીલ છે.