– ૩૪ વર્ષની ઇન્ડિયન ટૂરિસ્ટનું એક હૉસ્પિટલમાંથી બીજી હૉસ્પિટલમાં લઈ જતી વખતે કાર્ડિઍક અરેસ્ટ બાદ મૃત્યુ થયું હતું
મૅટરનિટી વૉર્ડમાં સ્થાન ન મળવાના કારણે એક ઇન્ડિયન પ્રેગ્નન્ટ ટૂરિસ્ટના મૃત્યુ બાદ પોર્ટુગલનાં આરોગ્યપ્રધાન માર્ટા ટેમિડોએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.કહેવામાં આવી રહ્યું છે કે ૩૪ વર્ષની ઇન્ડિયન ટૂરિસ્ટનું એક હૉસ્પિટલમાંથી બીજી હૉસ્પિટલમાં લઈ જતી વખતે કાર્ડિઍક અરેસ્ટના કારણે મૃત્યુ થયું હતું.
જોકે આરોગ્યપ્રધાનના રાજીનામા માટે આ એકમાત્ર કારણ નથી રહ્યું.છેલ્લા કેટલાક મહિનામાં પોર્ટુગલમાં મૅટરનિટી હૉસ્પિટલોમાં સ્ટાફનો ખૂબ જ અભાવ હોવાનો આરોપ મૂકવામાં આવતો રહ્યો છે.માર્ટા ટેમિડો ૨૦૧૮થી આરોગ્યપ્રધાન હતાં અને કોરોનાની મહામારીમાંથી પોર્ટુગલને ઉગારવાની ક્રેડિટ પણ તેમને જ જાય છે.જોકે મંગળવારે સરકાર તરફથી ઇશ્યુ કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ડૉક્ટર ટેમિડોએ ફીલ કર્યું હતું કે તેમની પાસે હવે આ પદ પર રહેવા માટે કોઈ કારણ નથી રહ્યું.પોર્ટુગલની ન્યુઝ એજન્સી લુસા અનુસાર વડા પ્રધાન ઍન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ટૂરિસ્ટનું મૃત્યુ ડૉક્ટર ટેમિડોના રાજીનામાનું અંતિમ કારણ પુરવાર થયું હતું.એક અન્ય સ્ટેટમેન્ટમાં પોર્ટુગલના વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમણે આરોગ્યપ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમણે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ટેમિડોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોર્ટુગલના સૌથી મોટી સૅન્ટા મારિયા હૉસ્પિટલના નિઓનેટોલૉજી યુનિટમાં જગ્યા ન મળવાના કારણે આ પ્રેગ્નન્ટ ઇન્ડિયન ટૂરિસ્ટને લિસ્બનની બીજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી.લિસ્બનની સાઓ ફ્રાન્સિસ્કો ઝૅવિયર હૉસ્પિટલના સેન્ટર સીએચયુએલએને જણાવ્યું હતું કે આ પ્રેગ્નન્ટ મહિલાનું ઇમર્જન્સી સીઝેરિયન સેક્શન ઑપરેશન કરવામાં આવ્યું હતું,જેના પછી ૭૨૨ ગ્રામના નવજાતને પ્રીમૅચ્યોર જન્મના કારણે આઇસીયુમાં ઍડ્મિટ કરવામાં આવ્યું હતું.તેની માતાનું મૃત્યુ થયું હતું,પણ બાળકને બચાવી લેવાયું છે.બાળક સ્વસ્થ છે અને આ મહિલાના મૃત્યુની તપાસ ચાલી રહી છે.