મુંબઈનો ચકચારી કિસ્સો ! બદલા માટે બ્લૅકમેઇલિંગ કરી સેક્સ કર્યા પછી કર્યું મર્ડર?

177

– અંધેરીની ટીનેજરની હત્યામાં અત્યાર સુધી આરોપીએ લાફાનો બદલો લેવાના આશયથી મર્ડર કર્યું હોવાનું કહેવાતું હતું, પણ વંશિતા રાઠોડની મમ્મીનું કહેવું છે કે છેલ્લા થોડા સમયથી તેને કોઈ બ્લૅકમેઇલ કરતું હતું.

મુંબઈ : અંધેરીમાં રહેતી ૧૪ વર્ષની વંશિતા રાઠોડની હત્યા પછી વાલિવ પોલીસે બંને આરોપીઓની આઠ દિવસ પછી ધરપકડ કરી છે.આરોપીએ વંશિતાને મારવા પહેલાં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું પોલીસ પાસે કબૂલ કર્યું છે.વંશિતાની માતાએ આરોપીને આશરે એક મહિના પહેલાં રોડ પર લાફો માર્યો હતો જેનાથી રોષે ભરાઈને આરોપીએ પોતાના મિત્ર સાથે મળીને ૧૫ દિવસ પહેલાં તેને મારવાનો પ્લાન તૈયાર કર્યો હતો અને ૨૫ ઑગસ્ટે એને અંજામ આપ્યો હતો.આરોપીએ પોલીસથી ભાગવા માટે ઘરેથી દાગીના ચોરીને વેચ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

નાયગાંવ રેલવે સ્ટેશનના ૨૦૦ મીટરમાંથી ૨૬ ઑગસ્ટે વંશિતાની ડેડ-બૉડી મળી આવ્યા પછી આશરે આઠ દિવસ તપાસ કરીને મુંબઈ પોલીસ સાથે વસઈ-વિરાર પોલીસ અને ગુજરાત પોલીસ આમ આશરે પોલીસની આઠ ટીમે જૉઇન્ટ વર્ક કરીને અમદાવાદમાંથી આરોપી સંતોષ મકવાણા અને વિશાલની ધરપકડ કરી હતી.બંને આરોપીઓ ક્રાઇમ પૅટ્રોલ સિરિયલથી પ્રભાવિત થઈને ક્રાઇમને કેવી રીતે અંજામ આપવો એવી તૈયારીઓથી પોલીસથી ભાગી રહ્યા હતા.જોકે પોલીસે કરેલી જૉઇન્ટ કામગીરીને પગલે આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા હતા.

વંશિતાની મમ્મી ભાવનાબહેને કહ્યું હતું કે પહેલી ઑક્ટોબરે વંશિતાનો ૧૫મો બર્થ-ડે હતો.એના માટે મેં અને મારી દીકરીએ વિચાર્યું હતું કે તેને ઘડિયાળનો શોખ હોવાથી ઘડિયાળ ગિફ્ટ આપીશ.તે પણ અમે બધા સાથે મળીને પાર્ટી કરીશું એવું કહી રહી હતી.જોકે છેલ્લા દોઢ મહિનાથી વંશિતા કોઈ પરેશાનીમાં હોય એવું લાગી રહ્યું હતું.કોઈક તેને કોઈ વાત પર બ્લૅકમેઇલ કરતું હોય એવું જણાઈ રહ્યું હતું,કારણ તે સ્કૂલથી ઘરે આવ્યા બાદ ગુપચુપ બેસી રહેતી હતી.તેને ભાવતી કે પછી ગમતી ચીજો આપવાની વાત કરીએ તો પણ એ લેવાની ના પાડતી હતી.વંશિતાને મેં થોડા વખત પહેલાં સંતોષ વિશે પૂછ્યું હતું.ત્યારે તેણે મને કહ્યું હતું કે હું તેની સાથે વાત નથી કરતી અને મળતી પણ નથી.વધુ સવાલો મેં તેને પૂછ્યા નહોતા, કારણ કે તેને ફિટની બીમારી હતી.હજી પણ મારા મનમાં એ જ વાત આવે છે કે જો મેં એ દિવસે તેને જેલમાંથી ન છોડાવ્યો હોત તો મારી દીકરી આજે જીવતી હોત અને અમારી વચ્ચે હોત.

વાલિવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલકુમાર પાટીલે કહ્યું હતું કે ૨૫ ઑગસ્ટે સંતોષ વંશિતાને તે સ્કૂલમાંથી આવતી હતી ત્યારે રસ્તામાં મળ્યો હતો.એ પછી તેણે વંશિતાને પોતાની સાથે જુહુમાં વિશાલના ઘરે લઈ જઈને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સંતોષે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે.વિશાલ દ્વારા અરેન્જ કરાયેલા ચાકુથી સંતોષ અને વિશાલ બંનેએ વંશિતાને મારી નાખી હતી.એ પછી તેની બૉડી એક સૂટકેસમાં મૂકી ઘરેથી રિક્ષા કરીને વિલે પાર્લે રેલવે સ્ટેશન પર આવ્યા હતા.ત્યાંથી વિરાર સ્લો લોકલ પકડી નાયગાંવ રેલવે સ્ટેશને ઊતરી બૉડીવાળી બૅગને સ્ટેશનથી ૨૦૦ મીટરના અંતરમાં ફેંકી દીધી હતી.ત્યાર બાદ આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે સ્થાનિક દુકાનમાંથી ચાર જોડી જીન્સ અને ટી-શર્ટ ખરીદ્યાં હતાં.આ ઉપરાંત તેમની ઓળખ છતી ન થાય એ માટે હેરસ્ટાઇલ પણ સલૂનમાં જઈને બદલી દીધી હતી.એ પછી બંને આરોપીઓ ફરી એક વાર રેલવે સ્ટેશન પર આવ્યા હતા અને જોધપુરની ટ્રેન પકડીને અજમેરની દરગાહ પર ગયા હતા. ત્યાંથી તેઓ વૈષ્ણોદેવી મંદિરમાં પણ ગયા હતા અને અંતે ત્યાંથી રિટર્નમાં પાલનપુરમાં આવ્યા હતા,જ્યાંથી અમે તેમની ધરપકડ કરી હતી.

વાલિવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે આરોપીએ વંશિતાને મારવાનો પ્લાન ઑગસ્ટ મિડમાં બનાવ્યો હતો. ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં વંશિતાની માતાએ સંતોષને રોડ પર લાફો માર્યો હતો એટલે સંતોષ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. સંતોષે પોતાના મિત્ર વિશાલને ઇમોશનલી બ્લૅકમેઇલ કરીને પોતાને સાથ આવવા મજબૂર કર્યો હતો.તમામ પ્લાનિંગ સંતોષે કર્યું હતું. વિશાલે હત્યા પછી ભાગવા માટે પોતાની માતાના આશરે ૨.૩૦ લાખ રૂપિયાના દાગીના ચોર્યા હતા,જે તેણે અન્ય એક મિત્રની મદદથી જ્વેલરને વેચ્યા હતા.દાગીના વેચીને પૈસા લાવનાર મિત્રને પણ તેણે ૧૫,૦૦૦ રૂપિયા આપ્યા હતા. હાલમાં તેમની અમને ૧૪ દિવસની પોલીસ કસ્ટડી મળી છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

Share Now