– આ દરોડા કેટલાક દારૂના વેપારીઓ અને ભૂતપૂર્વ એક્સાઈઝ અધિકારીઓના ઘરો પર પાડવામાં આવી રહ્યા છે
નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર 2022, મંગળવાર : દિલ્હીમાં એક્સાઈઝ પોલીસી પર આપ સરકારની મુશ્કેલીમાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો.હવે EDએ આ મામલે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે.હાલમાં 30 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે દિલ્હી સહિત 7 અલગ-અલગ શહેરોમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.આ દરોડા કેટલાક દારૂના વેપારીઓ અને ભૂતપૂર્વ એક્સાઈઝ અધિકારીઓના ઘરો પર પાડવામાં આવી રહ્યા છે.જે લોકોના નામ CBIની FIRમાં નોંધાયેલા છે તેમના પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
જોકે, આ FIRમાં મનીષ સિસોદિયાનું નામ છે પરંતુ તેમના ઘરે દરોડાના કોઈ સમાચાર નથી મળ્યા.મનીષ સિસોદિયાએ EDના દરોડા પર નિવેદન આપ્યું છે કે, પહેલા તેમણે CBIના દરોડા પાડ્યા તેમાં કંઈ ન મળ્યું તો હવે ED દરોડા પાડશે પરંતુ એમાં પણ કશું નહીં મળશે.દેશમાં જે શિક્ષણનો માહોલ બની રહ્યો છે, અરવિંદ કેજરીવાલજી જે કામ કરી રહ્યા છે તેને કોરવાનું કામ થઈ રહ્યું છે પરંતુ તેને રોકી શકાશે નહીં. CBI યુઝ કરો કે, ED યુઝ કરો પરંતુ શિક્ષણના કામના રોકી શકાશે નહીં.
દિલ્હીની એક્સાઈઝ પોલીસીને લઈને બીજેપી અને આપ વચ્ચે પહેલાથી જ તણાવ ચાલું છે.એક તરફ બીજેપી આરોપ લગાવી રહ્યું છે કે, આમ આદમી પાર્ટીએ નવી એક્સાઈઝ પોલીસીમાં ખૂબ કમાણી કરી છે.તો આમ આદમી પાર્ટી બીજેપીના આ આરોપને નકારી કાઢ્યા છે.