વડોદરા,તા.7 સપ્ટેમ્બર 2022,બુધવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તે બંને ગુજરાત વિરોધી પાર્ટી છે તેને જાકારો આપવા માટે ભાજપના કાર્યકર્તાઓએ લોકોનો સંપર્ક કરીને જાણકારી પહોંચાડી ભાજપના ઉમેદવારને 50,000 થી વધુ મતની લીડ અપાવી જીતાડવા માટે કામે લાગી જવાની જરૂર છે.વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ખાત મુર્હૂત પ્રસંગે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ મુજબ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એ ભારત જોડો યાત્રા શરૂ કરી છે ત્યારે ખરેખર તેઓ ગુજરાત વિરોધી છે અગાઉ કેન્દ્રમાં સત્તા સ્થાને હતા ત્યારે તેમણે ગુજરાતની પ્રજાને અન્યાય કરતા રહ્યા છે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે તેઓ પણ મેઘા પાટકર સાથે સંકળાયેલા હતા.નર્મદા નું પાણી કચ્છ સુધી પહોંચાડવાનો સખત વિરોધ કરતા રહ્યા હતા આ બંને પાર્ટી ગુજરાત વિરોધી પાર્ટી છે ત્યારે હવે તેઓનો પગ પેસારો ગુજરાતમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેને શરૂઆતથી જ જાકારો આપવાની જરૂર છે.તેમણે ઉમેર્યું હતું કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત વિરોધી બંને પાર્ટીને જાકારો આપી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારને 50,000 મતના લીડ થી જીતાડવા માટે કાર્યકર્તાઓએ તેમના સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે.